મુંબઈ : રાજ્યમાં વાલી તેમજ વિદ્યાર્થીઓને જેની ઉત્સુકતા છે તે બારમાનું રીઝલ્ટ આગામી ૧૫ દિવસમાં જાહેર કરાશે,એવું રાજ્યના સ્કૂલ શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું છે.બારમાના રીઝલ્ટ બાદના ૧૫ દિવસમાં દસમાનું પણ રીઝલ્ટ જાહેર કરી દેવાશે.શિર્ડી ખાતેની એક પત્રકાર પરિષદ દરમ્યાન શિક્ષણમંત્રીએ જણાવ્યું કે,દસમા અને બારમાના પરિણામ સંદર્ભે મને અનેક વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછાતાં હોય છે.હું તેમને જણાવવા માગું છું કે,આગામી અઠવાડિયે બારમાનું રીઝલ્ટ જાહેર થઈ શકે છે.કોરોના બાદ પહેલીવાર ઓફલાઈન પરીક્ષા પાર પડી છે.આથી આ રીઝલ્ટ વિદ્યાર્થીઓ માટે ખાસ હશે. દસમા-બારમાના પેપર તપાસવાનું કામ અંતિમ તબક્કે છે.પરિણામ વહેલામાં વહેલી તકે જાહેર કરવા માટે સંબંધિત બોર્ડને સૂચના અપાઈ ગઈ હોવાનું પણ સ્કૂલ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.


