મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકાર સજાગ બની છે.કોરોનાના કેસ અચાનક કયાં પરિબળોને કારણે વધી રહ્યા છે તે વિશે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર જાણકારી મેળવી રહી છે.જોકે,હજુ ચોથી લહેર શરુ થયાનો અધિકારીઓ સાફ ઈનકાર કરી રહ્યા છે.મહારાષ્ટ્રના એડિશનલ ચીફ સેક્રેટરી ડો.પ્રદીપ વ્યાસે એવું નિરીક્ષણ રજૂ કર્યું છે કે મુંબઇ અને મહારાષ્ટ્રમાં નાગરિકોની વધી રહેલી અવરજવર,સામાન્ય બની રહેલી વેપારી પ્રવૃત્તિ,કોરોના પ્રત્યેની બેકાળજી અને હળવું વલણ તથા માસ્ક નહીં પહેરવો વગેરે પરિબળોને કારણે કોરોનાના કેસ વધી રહ્યા હોય તે શક્ય છે.ઉપરાંત ઓમીક્રોનના નવા વેરિયેન્ટ્સ (સ્વરૃપ) બીએ.૪ અને બીએ.૫ પણ કારણભૂત હોઇ શકે.
ડો.પ્રદીપ વ્યાસે એમ પણ કહ્યંુ હતું કે પુણેમાં બીએ.૪ અને બીએ.૫ના કેસ મળ્યા છે.ઘણાં લોકોને તાવ અને કફ જેવાં લક્ષણો હોવા છતાં તેઓ તબીબી પરીક્ષણની જરાય દરકાર નથી કરતાં.ડોક્ટરની સલાહ કે સારવાર પણ નથી લેતાં.મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સના સભ્ય ડો.શશાંક જોશીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે મુંબઇમાં કોરોનાના કેસના ગ્રાફ દ્વારા એવો સંકેત મળે છે કે શહેરમાં આ બીમારીનું સ્વરૃપ બહુ શાંત અને ધીમી ગતિનું છે.વળી,જે કોઇ વ્યક્તિમાં લક્ષણો જોવા મળે છે તે ઓમીક્રોનના નવા અને મંદ સ્વરૃપનાં હોય તેવું જણાય છે.એટલે કે આ તમામ પાસાંને ધ્યાનમાં રાખીને એમ ન કહી શકાય કે મુંબઇમાં કે મહારાષ્ટ્રમાં કોરોનાની ચોથી લહેરની અસર છે.આમ છતાં કેસની સંખ્યા જરૃર વધી રહી છે.રાજ્યમાં હર ઘર દસ્તક ઝુંબેશ બીજીબાજુ મહારાષ્ટ્ર સરકારે રાજ્યના તમામ જિલ્લામાં હર ઘર દસ્તક ઝુંબેશ શરૃ કરી છે.તબીબી કર્મચારીઓ દરેક ઘરે જઇને જે એક કરોડ જેટલાં નાગરિકોએ હજી સુધી કોરોનાની રસીનો બીજો ડોઝ નથી લીધો તેઓને રસી આપશે.ઉપરાંત,લોકોને બુસ્ટર ડોઝ લેવાપણ સમજાવશે.


