મુંબઈથી સુરત MDડ્રગ્સ સપ્લાયના કેસમાં કુત્બુદ્દીન ખાનને બે દિવસના રિમાન્ડ

122

સુરત : મુંબઈથી લઈક નામના શખ્સ પાસેથી આરોપી કુત્બુદ્દીન ખાને એમ.ડી.ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો મેળવી સુરતમાં વિતરીત કર્યો હતો.સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપેલા 13.39 લાખની કિંમતના મેફેડ્રેન ડ્રગ્સના પ્રકરણમાં ગઈકાલે આરોપી કુત્બુદ્દીન ખાનની ધરપકડ કરી આજે સાત દિવસના રિમાન્ડની માંગ કરતાં કોર્ટે આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે મૂળ ભરુચ જંબુસરના કાવી ચોથાવડ ગામના વતની મુસ્તાક ઉર્ફે મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલના અમરોલી કોસાડ સ્થિત આવાસ એચ-2ના ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન ફ્લેટની તિજોરીમાંથી કુલ રૃ.13.39 લાખની કિંમતના 133.95 ગ્રામનો એમ.ડી.ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો ઝડપાયો હતો.જે ડ્રગ્સનો જથ્થો વોન્ટેડ શિવા નામના શખ્શ પાસેથી ખરીદવામાં આવ્યો હતો.સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી મુસ્તાક અબ્બાસ પટેલની ગઈ તા.૨૮મી એપ્રિલના રોજ ધરપકડ કરીને તા.૨જી મે સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા બાદ પણ ફર્ધર બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ કેસમાં સંડોવાયેલા આરોપી કુત્બુદ્દીન ખાન તથા આબીદ શમાની પણ સંડોવણી જણાતા સુરત ક્રાઈમ બ્રાંચે ગઈ કાલે આરોપી કુત્બુદ્દીન ખાનનું ફોન લોકેશન સુરત આવતા તેની ધરપકડ કરી હતી.પરંતુ આરોપીએ પોતે બાયપાસ સર્જરીના બહાને સમય વ્યતીત કરતો હોઈ આજે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી સુનિલ પટેલે જણાવ્યું હતું કે આરોપી કુત્બુદ્દીન ખાને મુંબઈના લઈક નામના શખ્શ પાસેથી કોમર્શિયલ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મેળવીને સુરતમાં સહ આરોપી મુસ્તાક પટેલને સપ્લાય કર્યો છે.જેથી આરોપી કુત્બુદ્દીન ખાન અને લઈકે આ સિવાય અન્ય કોઈ જથ્થો સપ્લાય કરવાના રેકેટ સાથે સંકળાયેલા હોવાની આશંકાની તપાસ કરવાની છે.આરોપીના કોલ ડીટેલ્સની વેરીફિકેશન કરવા,છુટક વેચાણ કર્યું છે કે કેમ,ભૂતકાળમાં નાર્કોટીક્સના જથ્થાની ખરીદ વેચાણ કરીને બેંકીંગ કે મોબાઈલ વોલેટ એપ મારફતે પૈસાની લેતી દેતી કરી છે કે કેમ તેની તપાસ કરવાની છે.આરોપીના ડ્રગ્સની હેરાફેરીના નેટવર્ક પાછળ ડ્રગ્સ ટ્રાફીકર,કેરીયર્સ,પેડલર,ડ્રગ્સ એડીક્ટ એવે કેટલા શખ્શો સંડોવાયેલા છે તેની તપાસ કરવાની છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

Share Now