નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને હળવા તાવના લક્ષણો જોવા મળ્યા હતા.એ પછી તેમનો કોરોના ટેસ્ટ થયો હતો.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સોનિયા ગાંધી ક્વોરન્ટાઈન થયા હતા. તેમના સંપર્કમાં આવેલા ઘણાં નેતાઓ અને કાર્યકરોને કોરોના થયાનું જણાયું હતું.છેલ્લાં થોડા દિવસથી સોનિયા ગાંધી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે ચિંતન શિબિર કરી રહ્યા હતા.કોંગ્રેસના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીને તાવ આવ્યો હતો.હળવા તાવના લક્ષણો બાદ ડોક્ટરોની સલાહ પ્રમાણે તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો.તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેઓ આઈસોલેટ થયા હતા.છેલ્લાં ઘણાં દિવસથી ચિંતન શિબિરના ભાગરૂપે કેટલાય નેતાઓ અને કાર્યકરોના સંપર્કમાં આવ્યા હોવાથી ઘણાં નેતાઓ અને કાર્યકરોને કોરોના થયાનું જણાયું હતું.સોનિયા ગાંધીએ કોંગ્રેસ દ્વારા આયોજિત આઝાદીની ગૌરવયાત્રામાં ભાગ લીધો હતો.એમાં અસંખ્ય કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા.
ટ્વીટ કરીને સૂરજેવાલાએ જાણકારી આપી હતી એ પ્રમાણે સોનિયા ગાંધી આઈસોલેટ થઈ ગયા છે.તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.અગાઉ ૨૦૧૪માં સોનિયા ગાંધીને ફેંફસાની બીમારી થઈ હોવાથી ખાસ તકેદારી રાખવામાં આવી છે.સૂરજેવાલાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીને કોરોના થયાનું જાણ્યા બાદ અસંખ્ય નેતાઓ,કાર્યકરો અને મહિલાઓએ સંપર્ક કર્યો હતો અને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.તેમની તબિયત સ્થિર છે અને ઝડપથી સાજા થઈ જશે.તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરનારા તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સોનિયા ગાંધી ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી.મોદીએ લખ્યું હતું:કોંગ્રેસ પ્રમુખ સોનિયાજી કોરોનામાંથી ઝડપથી સાજા થાય તેવી શુભકામના.
દરમિયાન ઈડીએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડના કેસમાં ૮મી જૂને પૂછપરછ માટે હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે.એ સંદર્ભમાં રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે નિયત તારીખે સોનિયા ગાંધી ઈડી સમક્ષ હાજર થવા કટિબદ્ધ છે.છતાં જો કોઈ ફેરફાર હશે તો ડોક્ટરોની સલાહ પ્રમાણે આગળનો નિર્ણય જાહેર કરીશું.

