દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે નવેસરથી સમન્સ જારી કર્યા છે.તેમને હવે 13 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.અગાઉ જારી કરાયેલા સમન્સમાં તેમને 2 જૂને બોલાવવામાં આવ્યા હતા,પરંતુ તે વિદેશ પ્રવાસ પર હોવાના કારણે હાજર થયા ન હતા.રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.કેન્દ્રીય એજન્સી દ્વારા તેમને 8મીએ દિલ્હી ખાતેની ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.સોનિયા ગાંધી હાલમાં કોરોના સંક્રમિત છે,પરંતુ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે તેઓ 8 જૂને હાજર થવા માટે તૈયાર છે.
ઇડી દ્વારા કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલને સમન્સ જારી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા હતા.કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા અને અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે,કોંગ્રેસના નેતાઓને સમન્સ એ વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે ભાજપ દ્વારા બદલો અને બદલાની રાજનીતિ છે જે રીતે તે દેશના અન્ય વિરોધીઓ સાથે કરતી આવી છે.કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે,ઇડીએ 2015માં કેસ બંધ કરી દીધો હતો.

