અમદાવાદ : શુક્રવાર : ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે રચવામાં આવેલા ગુજરાત વીજ નિયમન પંચની નજર હેઠળ જ ગુજરાતના વીજજોડાણધારકોને માથે વીજદર વધારાનો બોજ સતત નાખવામાં આવી રહ્યું છે. સરકારી વીજમથકોમાં સસ્તી વીજળી પેદા થઈ શકતી હોવા છતાંય મોંઘી વીજળી ખરીદી રહેલા ગુજરાત ઉર્જા વિકાસ નિગમને ગુજરાત વીજ નિયમન પંચને કોઈ સવાલ જ કરવામાં આવતો નથી. પરિણામે જર્ક વીજગ્રાહકોના હિતમાં રચાયું છે કે સરકારી તંત્રના હિતોનું રખોપું કરવા રચાયું છે તેવો સવાલ ઊઠી રહ્યા છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં મારફતે પાવર-વીજળીનું વેચાણ કરતી ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવની વીજળી ખરીદી રહ્યું છે,પરંતુ લિગ્નાઈટનો ઉપયોગ કરીને મળતી સસ્તી વીજળી પેદા કરવામાં રસ જ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
એક તરફ કોલસાની અછત છે ત્યારે વીજ ઉત્પાદકોને ૩૦ ટકા આયાતી મોંઘો કોલસો ખરીદી દેશી કોલસા સાથે મિક્સ કરીને પણ પાવર પ્લાન્ટ ચલાવવાની મિનિસ્ટ્રી ઓફ પાવર આદેશ કરી રહી છે.બીજીતરફ ગુજરાત સરકારની જીયુવીએનએલ જામનગરના સિક્કામાં આવેલો આયાતી કોલસાથી ચાલતો પ્લાન્ટ જરાય ચલાવવા જ માગતી નથી.જામનગરમાં ૫૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરી શકે તેવો પ્લાન્ટ બંધ હાલતમાં પડયો છે.આ પ્લાન્ટ બંધ છે ત્યારે બીજીતરફયુનિટદીઠ રૃા.૧૨ સુધીના ભાવથી ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી વીજળીની ખરીદી કરવામાં આવી રહી છે.
સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે જર્ક આ તમામ નાટકો મૂકપ્રેક્ષકની માફક જોઈ રહ્યું છે.જર્ક ગ્રાહકના હિતમાં કશું જ બોલતું નથી.ગુજરાત સરકારના પોતાના પ્લાન્ટ કેમ ઓછામાં ઓછી વીજળી પેદા કરીને બહારથી મોંઘી વીજળી ખરીદીને વેચવાનું કામ કરી ગુજરાતના વીજ ગ્રાહકોને માથે ખર્ચ બોજ વધારી રહ્યા છે તેવા સવાલનો કોઈ જ જવાબ આપતા નથી.લિગ્નાઈટથી વીજળી પેદા કરવામાં આવે તો યુનિટદીઠ રૃા.૨.૮૦ની આસપાસનો ખર્ચ આવે છે.ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડનો લિગ્નાઈટતી ચાલતો બીએલટીપીએસના પ્લાન્ટ ૧ અને ૨,કેએલટીપીએસના પ્લાન્ટ ૩ અને ૪,એલટીપીએસના પ્લાન્ટ ૧ અને ૨ તથા એએલપીપીની પ્લાન્ટ ૧થી ૪ મલીને કુલ ૧૪૦૦ મેગાવોટ વીજળી પેદા કરી શકે છે.આ પ્લાન્ટ અનુક્રમે ૨૬.૬ ટકા,૪૦.૮ ટકા,૫૬.૬ ટકા અને૮૩ ટકા ક્ષમતાઓ જ ચાલે છે.આ પ્લાન્ટનો પૂર્ણક્ષમતાએ ચલાવવામાં આવે તો વીજળીની અછત ઓછી થઈ શકે છે.આ પ્લાન્ટ પૂરતી ક્ષમતાએ ન ચાલતા હોવાથી બહાની મોંઘી વીજળી ખરીદવી પડી રહી છે.


