મુંબઈ : ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ(આઈટીઆઈ)નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પગલું લેવાયું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ની ડિપ્લોમા એડમિશન પ્રક્રિયામાં બદલાવ કરાયા છે.જેમાં કોઈપણ ટ્રેડ લઈ આઈટીઆઈ પાસ થયેલ વિદ્યાર્થી ડાયરેક્ટ એન્જિનીયરીંગ ડિપ્લોમા કોર્સની કોઈપણ સ્ટ્રીમના બીજા વર્ષમાં એડમિશન લઈ શકશે.આ બદલાવથી આશરે ૧૦ હજાર વિદ્યાર્થીઓને લાભ થશે,એવી માહિતી ઉચ્ચ તંત્ર શિક્ષણમંત્રી ઉદય સામંતે પત્રકારોને સંબોધતી વેળાએ આપી છે.
ડિરેક્ટોરેટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન અંતર્ગત રહેલાં અને દસમા બાદના પોલિટેક્નિક આ ડિપ્લોમા કોર્સ માટે એડમિશન પ્રક્રિયાનો પણ ગુરુવારથી પ્રારંભ થયો છે.પોલિટેક્નિક કોર્સમાં દરવર્ષે વિદ્યાર્થીઓનો વધારો થઈ રહ્યો છે.જેને ધ્યાનમાં લઈ બદલાવ કરવામાં આવ્યાં છે.આ વર્ષે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડની સંખ્યા બેથી વધારીને ત્રણ કરી દેવામાં આવી છે.જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે. દરમ્યાન,કોરોનામાં બંને વાલી ગુમાવેલ વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં એડમિશન આપવા માટે સંસ્થાઓની દરેક શાખામાં બે સીટ આરક્ષિત રખાશે.જેમાં કેન્દ્ર સરકારની સ્વનાથ યોજના અંતર્ગત ડિપ્લોમા કોર્સના શિક્ષણ માટે પ્રત્યેક વર્ષે ૫૦ હજાર રુપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે,એવી માહિતી પણ ઉચ્ચ શિક્ષણમંત્રીએ આપી છે.