અમદાવાદ : તા.03 જુન 2022, શુક્રવાર : અમદાવાદમાં શુક્રવારે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.આકાશમાં ગનઘોર વાદળા ઘેરાઇ આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.વહેલી સવારે ઠંડો પવન ફૂંકાતા શહેરીજનોએ ચાદર ઓઢવાની જરૂર પડી હતી.અમદાવાદમાં સવારે ૨૬ ડિગ્રી જોવા મળેલું તાપમાન બપોરે ૪૩.૨ ડિગ્રી પહોંચી ગયું હતું.સવારે ઠંડી અને બપોરે અસહ્ય ગરમી તેમજ સાંજે ગરમ પવન ફૂંકાવાના કારણે શહેરીજનોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.
પૂર્વ અમદાવાદમાં શુક્રવારે સવારે વાદળા ઘેરાયા હતા.કાળાડિબાંગ વાદળ તેમજ ઘરતીની નજીકથી પસાર થતા વાદળાઓને જોઇને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પ્રિ-મોન્સુન એક્ટીવીટી સક્રિય થયાનું લોકોએ અનુમાન પણ લગાવી દીધું હતું.સવારે સાડા સાત વાગ્યા સુધી તો સુરજ પણ દેખાયો નહતો.જોકે સવારે ૧૦ વાગ્યા બાદ ધીમેધીમે આકાશમાંથી વાદળા દુર થવા લાગ્યા હતા.બપોરે તો ગરમીએ તેનું સ્વરૂપ ધારણ કર્યું હતું.૪૩ ડિગ્રી ગરમીમાં લોકો રીતસરના શેકાયા હતા.બપોરે ૩ વાગ્યે તો રોડ પર લૂ લાગતી હતી. સવારે ઠંડી અને બપોરે એકાએક ગરમી પડતા અશક્ત અને બીમાર લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ ભેજયુક્ત વાતાવરણના કારણે આકાશમાં વાદળા જોવા મળે છે.અમદાવાદમાં આગામી અઠવાડિયા સુધી વરસાદની આગાહી નથી.તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે.