અમદાવાદ : કેરળમાં નૈઋત્ય ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે ધીરે ધીરે ચોમાસુ આગળ વધી રહ્યું છે.ચોમાસાના આગમન પહેલાં રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.હજુ ત્રણ દિવસ સુધી લોકોને ગરમીથી રાહત મળે તેવા કોઇ સંકેત નથી.10મીના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.હજુ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ રહેલી છે.
સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી આજે પણ યથાવત્ રહી હતી.આજે પણ 42.5 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.બપોરે ફૂંકાયેલા ગરમ પવનને કારણે લોકોએ ગરમીથી બચવા માટે ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું.જેના કારણે શહેરના માર્ગો સુમસામ બન્યા હતા.સાંજ પડતા જ પવન ફૂંકાયો હતો.બીજી તરફ રવિવારની રજા હોવાને કારણે મોડી રાત્રી સુધી શહેરના વિવિધ બ્રિજ અને ગાર્ડન તથા રીવર ફ્રન્ટ પર લોકોની ભીડ જામેલી જોવા મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાદળછાંયુ વાતાવરણ રહેશે.જેના કારણે ત્યાં રહેતા લોકોને ગરમીથી થોડા અંશે રાહત મળશે.હજુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ દરમિયાન પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.પ્રિ મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 3 દિવસ બાદ રાજ્યના દક્ષિણ ભાગો તથા દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે.