મોબાઈલ શોપના માલિકે વેપારીના બાકી રૂ.3990 માટે ફોટા નીચે બદનામીભર્યું લખાણ લખી વાયરલ કર્યું

132

સુરત : તા.7 જુન 2022,મંગળવાર : સુરતના પુણા વિસ્તારમાં ઘરેથી જ માર્કેટીંગ પ્રોડક્ટ્સના લેબલીંગનો વ્યવસાય કરતા રાજસ્થાની વેપારીએ સલાબતપુરા બેગમવાડી સ્થિત જયશ્રીરામ માર્કેટમાં દુકાન ધરાવતા મોબાઈલ શોપમાંથી રૂ.13,990 નો મોબાઈલ ફોન ઉધારમાં ખરીદી રૂ.10 હજાર ચૂકવ્યા હતા.જોકે,બાકી રૂ.3990 માટે મોબાઈલ શોપના માલિકે બાકી રૂ.3990 માટે વેપારીને ધમકી આપી તેમના ફોટા નીચે બદનામીભર્યું લખાણ લખી વાયરલ કરતા પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પુણાગામ સારોલી રોડ ભરતવન સોસાયટી ઘર નં.35 માં રહેતા 40 વર્ષીય નાથુરામ વેનારામ કુમાવત પોતાના ઘરેથી જ માર્કેટીંગ પ્રોડક્ટ્સના લેબલીંગનો વ્યવસાય કરે છે.દોઢ મહિના અગાઉ તે નવો મોબાઈલ ફોન લેવા માટે એક મિત્ર મારફતે સલાબતપુરા બેગમવાડી સ્થિત જયશ્રીરામ માર્કેટમાં વલ્લભ મોબાઈલ કેરના નામે મોબાઈલ ફોનની દુકાન ધરાવતા સંતોષકુમાર ઉર્ફે લકીભાઈને મળ્યા હતા અને તેમની પાસેથી રૂ.13,990 નો મોબાઈલ ફોન ઉધારમાં ખરીદ્યો હતો.તેના રૂ.10 હજાર ગત 2 મે ના રોજ તેમણે ફોનપે મારફતે ચૂકવ્યા હતા.

બાકી રૂ.3990 માટે રૂ.10 હજાર ચૂકવ્યાના ત્રણ દિવસ બાદ સંતોષકુમારે ઉઘરાણી શરૂ કરી વારંવાર ફોન કરી મોબાઇલના બાકીના પૈસા ચુકવી આપવા ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ નાથુરામના ફોટા ક્યાંકથી મેળવીને સંતોષકુમારે ફોટાઓની ઉપર અંગ્રેજીમાં બદનક્ષીજનક અને બીભત્સ લખાણ લખી સોશીયલ મીડીયામાં વાયરલ કર્યું હતું.સાથે નાથુરામના મિત્ર વિશાલભાઈ અને દીનેશભાઈને વ્હોટ્સએપ મેસેજ મોકલી સમાજમાં બદનામ કર્યા હતા.આ અંગે નાથુરામે ગતરોજ સંતોષકુમાર વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Share Now