સુરત : તા.8 જુન 2022,બુધવાર : અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 4 ના કાપડના કારખાનેદારા પાસેથી ડિસેમ્બર 2020 માં રૂ. 23.14 લાખનું ગ્રે કાપડ ખરીદી આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી રાતોરાત દુકાન બંધ કરી ભુગર્ભમાં ઉતરી જનાર દંપતી અને દલાલ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 4 માં કીયા ઇન્ટરનેશનલ નામે કાપડનું કારખાનું ધરાવતા અંકીત મોહન મોડીયા(ઉ.વ.36 રહે.શુકન રીવેરા,ડી માર્ટ પાસે,કતારગામ)નો વર્ષ 2020 માં દલાલ ધર્મેશ મણીલાલ વેલવાન હસ્તક રીંગરોડની મિલેનીયમ માર્કેટમાં આરના ફેશન નામે ધંધો કરતા દંપતી અરવિંદ ઉર્ફે અતુલ ભગવાન વઘાસીયા અને તેની પત્ની ચેતના વઘાસીયા(રહે.એ/1004,ગ્રીન વિક્ટરી, કેનાલ રોડ,અલથાણ)સાથે પરિચય થયો હતો.ધર્મેશે સમયસર પેમેન્ટ ચુકવવાની ખાત્રી આપતા અંકીતે 2020 ના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન રૂ.19.55 લાખનું ગ્રે કાપડનો માલ અરવિંદને વેચાણ કર્યો હતો અને તેનું પેમેન્ટ પણ સમયસર ચુકવી આપ્યું હતું.પરંતુ 2020 ના ડિસેમ્બર મહિનામાં રૂ.23.14 લાખનું ગ્રે કાપડ ખરીદયું હતું તેનું પેમેન્ટ આજ દિન સુધી નહીં ચુકવી વઘાસીયા દંપતી રાતોરાત દુકાનને તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયા હતા.જેને પગલે અંકીતે દંપતી અને દલાલ ધર્મેશ વિરૂધ્ધ અમરોલી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.