ગુજરાત સરકારના તજજ્ઞ વર્ગ-1ના ડોક્ટરોને 43 હજાર સુધીના પગાર વધારાનો નિર્ણય

169

ગાંધીનગર : સરકારના તજજ્ઞ વર્ગ-૧ના તબીબોને ટીકુ કમિશન અન્વયે આરોગ્ય વિભાગે સાતમા પગાર પંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણમાં શરતી ધરખમ વધારો જાહેર કર્યો છે.તે મુજબ પાત્રતા ધરાવતા તજજ્ઞ સેવા વર્ગ-૧માં આઠ વર્ષની નિયમિત સેવા પૂર્ણ કર્યા બાદ જો અન્ય શરતો પણ સંતોષતા હોય તો છઠ્ઠા પગાર પંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે ૧૫,૬૦૦-૩૯,૧૦૦(ગ્રેડ પે ૬૬૦૦ રૂપિયા)માંથી ૩૭,૪૦૦-૬૭,૦૦૦(ગ્રેડ પે ૮૭૦૦)અને સાતમા પગાર પંચ મુજબ

૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦માંથી૧,૨૩,૧૦૦-૨,૧૫,૯૦૦ના પગાર ધોરણનો લાભ આપવાનું ઠરાવાયું છે.જે તબીબોએ કોર્ટ કેસ પાછા ખેંચવા માટે એફીડેવિટ કરેલી છે તેમને આ લાભ આપવામાં આવશે.આરોગ્ય વિભાગ દ્વારા ૭ જૂને બહાર પડાયેલા ઠરાવમાં જણાવાયું છે કે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે ગુજરાત મેડિકલ સર્વિસ તજજ્ઞ વર્ગ-૧ અને ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસોસિએશન દ્વારા માગણી કરાઇ હતી.સરકાર દ્વારા તબીબી,જીએમઇઆરએસ,જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ,દંત શિક્ષણ,તબીબી સેવાઓ વિગેરેના જુદા જુદા એસોસીએશનના ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ સંયુક્ત ફોરમના પ્રશ્નોના નિરાકરણ માટે ડિસેમ્બર-૨૦૨૧માં મંત્રી મંડળની પેટા સમિતિની રચના કરાઇ હતી.

આ સમિતિ દ્વારા સરકારને અહેવાલ રજૂ કરાયો હતો.જેમાં તજજ્ઞ સેવા વર્ગ-૧ને ટીકુ કમિશન અન્વયે મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ છ વર્ષે આપવામાં આવે છે.તેના બદલે નિયમિત સેવાના આઠ વર્ષ પૂર્ણ કર્યાથી તેમજ જે તબીબોએ હાઇકોર્ટમાં ઉચ્ચતર પગાર ધોરણ બાબતે કોર્ટ કેસ દાખલ કર્યા છે તેમને કેસ પરત ખેંચવાની શરતે અગાઉની જેમ સમગ્ર નોકરી દરમિયાન ફક્ત એક જ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે છઠ્ઠા પગાર પંચ મુજબ તથા સાતમા પગાર પંચ મુજબ ગ્રેડ પેમાં વધારો અને પે મેટ્રીક્સ લેવલ-૧૧ માંથી પે મેટ્રીક્સ લેવલ-૧૩ના પગાર ધોરણનો લાભ આપવાની ભલામણ કરાઇ હતી.તે મુજબ અમલ કરીને મળવાપાત્ર એરીયર્સની રકમ ત્રણ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે.

ઠરાવ મુજબ તબીબોએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે પરંતુ ફરજમાં ચાલુ નથી તેવા તબીબોના કિસ્સામાં સરકારના નિયમો અને હાઇકોર્ટના ચૂકાદાને આધીન વિચારણા કરવાની રહેશે.આ તબીબોએ ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા તારીખ બાદ ૮ વર્ષ સુધી સરકારી સેવામં ફરજ બજાવવાની રહેશે.તે પહેલા રાજીનામુ-સ્વૈચ્છિક નિવૃતિ કે અન્ય કોઇપણ રીતે સેવા છોડી શકાશે નહીં.જો કોઇપણ રીતે સેવા છોડવામાં આવશે તો ઉચ્ચતર પગાર ધોરણના અપાયેલા કે મેળવેલા લાભો પરત લેવાના રહેશે.

Share Now