સુરત : સુરતના મહિધરપુરા વિસ્તારના ફુલના વેપારીને શરીરસુખ માણવાના બ્હાને વેસુ સુડા આવાસમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી નગ્ન વિડીયો વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરી રૂ.1.50 લાખની માંગણી કરી રૂ.20 હજાર પડાવી લેનાર ટોળકીની વોન્ટેડ મહિલાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.મહિધરપુરાના ફુલના વેપારી અજય(ઉ.વ.42)ને ગત જાન્યુઆરી મહિનામાં વ્હોટ્સએપ વિડીયો કોલ કરી અજાણી મહિલાએ શરીરસુખ માણવાની લાલચ આપી વેસુ ચાર રસ્તા સ્થિત એસ.ડી.જૈન સ્કૂલ પાસે બોલાવી ત્યાંથી વેસુ સુડા આવાસમાં બોલાવ્યો હતો. જયાં અજય અને યુવતી રૂમમાં જઇ કપડા ઉતાર્યાની ગણતરીની સેકન્ડમાં જ પોલીસના સ્વાંગમાં ત્રણ અજાણ્યા યુવાન રૂમમાં ઘુસી જઇ અજયનો નગ્ન હાલતમાં મોબાઇલમાં વિડીયો ઉતારી રૂમમાં ગોંધી દીધો હતો
ત્રણ પૈકીના એક યુવાને હું ઉમરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ વાળો છું,તે અમારી પર બળાત્કાર કરી જીંદગી બરબાદ કરી નાંખી છે,હવે તેની સાથે કોણ લગ્ન કરશે એમ કહી પોલીસ કેસ કરવાની અને નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.5 લાખની માંગણી કરી હતી.પરંતુ અજયે રૂ.1.50 લાખ આપવાનું કહી તાત્કાલીક રૂ.20 હજાર ચુકવ્યા હતા અને બાકી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવા કહ્યું હતું.આ પ્રકરણમાં પોલીસના બાતમીદાર સુરજ તિવારી સહિત ચાર જણાની ધરપકડ કરી હતી.જયારે ભાગતી ફરતી રૂપાલી ઉર્ફે નેહા ફુલચંદ જગતાપ(ઉ.વ.37 રહે.શુભમ રેસીડન્સી,નવાગામ-ડીંડોલી)ને ઉમરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે હનીટ્રેપ મામલો પોલીસમાં પહોંચ્યો તે પહેલા બાતમીદાર સુરજે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી લોકરક્ષક અમીત રબારીને રૂ.20 હજારની લાંચ લેતા ઝડપી પાડયો હતો.