નવી િદલ્હી : ઉત્તર ભારત છેલ્લા કેટલાક સમયથી‘હીટવેવ’નો સામનો કરી રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે.જોકે,હજુ ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોને ઊંચા તાપમાનમાંથી રાહત મળી નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત,મહારાષ્ટ્ર,તેલંગાણા,આંધ્રપ્રદેશ,પશ્ચિમ બંગાળ, સિક્કિમ,ઓડિશા સહિતના રાજ્યોમાં આગામી ચાર દિવસમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ માહોલ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન,મધ્યપ્રદેશ,હરિયાણા,ઉત્તર પ્રદેશ,ઝારખંડ અને દિલ્હીના ઘણા ભાગોમાં હજુ‘હીટવેવ’ની સ્થિતિ છે.આ રાજ્યોના ઓછામાં ઓછા ૨૨ ટાઉન અને શહેરોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસની ઉપર રહ્યું છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે,“મધ્ય ભારત અને નજીકના પૂર્વ ભારતના રાજ્યોમાં ઊંચા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.જોકે,પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તર પ્રદેશ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના છુટાછવાયા વિસ્તારોમાં સોમવાર સુધી‘હીટવેવ’ની સ્થિતિ ચાલુ રહેશે.ઉલ્લેખનીય છે કે,પશ્ચિમના ગરમ અને સૂકા પવનોને કારણે ઉત્તર ભારત બીજી જૂનથી‘હીટ વેવ’નો સામનો કરી રહ્યું છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ૧૫-૧૬ જૂનથી આ સ્થિતિમાં મોટી રાહત મળશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાનની સ્થિતિને પગલે જમ્મુ-કાશ્મીર,લદાખ,હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ,પૂર્વ ઉત્તર પ્રદેશ,પંજાબ,હરિયાણા અને દિલ્હીમાં ૧૫-૧૬ જૂને ગાજવીજની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારથી ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસ ઘટવાનો અંદાજ છે.૧૬થી ૨૨ જુલાઇના ગાળામાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં નીચું રહેવાનો અંદાજ છે.હવામાન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે ૧૬-૨૨ જૂનના સપ્તાહમાં દેશના કોઇ પણ ભાગમાં નોંધપાત્ર ‘હીટવેવ’ની શક્યતા નથી.