અમદાવાદ : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના આપત્તિજનક નિવેદનને કારણે ઊભો થયેલો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી.શુક્રવારે શહેરમાં લોકોના ટોળા એકત્રિત થયા બાદ રવિવારે પણ આ મુદ્દાના વિરોધમાં જુહાપુરામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનો મેસેજ વાયરલ થયો હતો.તેથી લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા.જેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ડીસીપી ઝોન-૭ ભગીરથસિંહ જાડેજા રોડ પર ઉતરી આવ્યા હતા.તેમણે ટોળાને શાંતિથી વિખરાઇ જવા અપીલ કરી હતી પરંતુ લોકો પોલીસની અપીલને અવગણતા પોલીસે થોડો બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને ૪૮ લોકોને ડિટેન કરવા પડયા હતા.પોલીસે બળ પ્રયોગ કરતાં ટોળા વિખરાઇ ગયા હતા.નૂપુર શર્માના ઉચ્ચારણો સામે ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. અમદાવાદના કોટ વિસ્તારમાં પણ શુક્રવારે પાંચ સ્થળે રેલીઓ યોજાઇ હતી.સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૧ રાજેન્દ્ર અસારીએ ઘટનાસ્થળે દોડી જઇ અગ્રણીઓ સાથે ચર્ચા કરતાં મામલો થાળે પડ્યો હતો.
શુક્રવાર રાત્રિથી જ રવિવારે જુહાપુરામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાના મેસેજ વાયરલ થયા હતા.જેને પગલે સવારથી જ પોલીસે એલર્ટ હતી પરંતુ બપોરે જુહાપુરમાં લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા.પરિસ્થિતિ પામી જતાં ડીસીપી ઝોન-૭ ભગીરથસિંહ જાડેજાએ લોકોને વિખરાઇ જવા અપીલ કરી હતી પરંતુ પરિણામ ન મળતાં તેમણે પોલીસને બળપ્રયોગ માટે આદેશ આપ્યા હતા.૨૬ મહિલા સહિત ૪૮ લોકોને ડિટેન કરવા પડ્યા હતા.પોલીસના બળ પ્રયોગથી વાતાવરણ શાંત થયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આ જ બાબતમાં શાહપુરમાં પણ રેલીનું આયોજન આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ૧૧ લોકોની આટકાયત કરવામાં આવી હતી.