સુરત : સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારની ધો.10 માં અભ્યાસ કરતી 16 વર્ષની તરુણી બે દિવસ અગાઉ 25 વર્ષના બનેવી સાથે ભાગી જતા ડિંડોલી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત ટી થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રની વતની અને પતિ વતનમાં કામ કરતો હોય સુરતમાં બાળકો સાથે રહી નોકરી કરતી 40 વર્ષીય મહિલાની સૌથી નાની પુત્રી સીમા(ઉ.વ.16, નામ બદલ્યું છે)ઘર નજીકની જ સ્કૂલમાં ધો.10 માં અભ્યાસ કરે છે.ગત શનિવારે મહિલા નિત્યક્રમ મુજબ સવારે પુત્ર નોકરીએ ગયા બાદ પોતે પણ નોકરીએ ગઈ ત્યારે સીમા ઘરે એકલી હતી.સાંજે છ વાગ્યે તે ઘરે પરત ફરી ત્યારે ઘરનો દરવાજો બહારથી બંધ હતો અને ગ્રીલને બહારથી કડી મારી હોય ઉપરના માળે રહેતી ભાભીને સીમા અંગે પૂછ્યું તો તેમણે પણ બપોરે બે વાગ્યા બાદ તેને જોઈ નહોતી.આથી મહિલાએ સીમાની શોધખોળ કરી હતી.
પણ તે નહીં મળતા અલથાણ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલવતા મોટી પુત્રીના પતિ શૈલેષને ફોન કર્યો હતો.પણ તેનો મોબાઈલ ફોન બંધ હતો.આથી મહિલાએ પુત્રીના પાડોશીને ફોન કરી વાત કરતા જાણવા મળ્યું હતું કે જમાઈ શૈલેષ બપોરે 12 વાગ્યે પત્નીને કીમ ભાડું લઈને જાઉં છું,તું મને ફોન કરતી નહીં તેવી સૂચના આપી ગયો હતો.તે પરત નહીં ફરતા અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતા પરિવારને સીમા અને શૈલેષ સાથે ભાગી ગયાની શંકા ગઈ હતી.કેમકે અગાઉ બંને અડપલાં-મસ્તી કરતા મળતા પરિવારે ટોકી વાત નહીં કરવા તાકીદ પણ કરી હતી.આ અંગે મહિલાએ ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.