
નવી દિલ્હી : કોંગ્રેસ દ્વારા શક્તિનું પ્રદર્શન એ ઇડી પર દબાણનો હેતુ હતો તેવો આક્ષેપ કરતાં ભાજપે સોમવારે વિરોધ પક્ષ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તેમના નેતાઓ ભ્રષ્ટાચારના સમર્થનમાં માર્ગો પર ઉતર્યા છે અને તેઓ ગાંધી પરિવારના ૨,૦૦૦ કરોડની કથિત મિલ્કતનું રક્ષણ કરવા માગે છે.કોઇ પણ કાયદાથી ઉપર નથી અને તેમાં રાહુલ ગાંધી પણ આવી ગયા છે તેમ જણાવતાં ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ દાવો કર્યો હતો કે કોઇ રાજકીય પરિવાર દ્વારા કોઇ તપાસ સંસ્થાને બાનમાં લેવાનો આવો ઘાતક પ્રયાસ અગાઉ ક્યારેય કરાયો નથી.
કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી,રણદીપ સુરજેવાલા,કે સી વેણુગોપાલ અને અધીર રંજન ચૌધરી સહિતના ટોચના કોંગ્રેસી નેતાઓ ઇડીની કાર્યવાહી સામે માર્ગો પર ઉતરી આવ્યા હતા.સ્મૃતિ ઇરાનીએ દાવો કર્યો હતો કે પરિવારનો ભ્રષ્ટાચાર પકડાઇ ગયો હોવાથી પાર્ટીના સીનિયર નેતાઓને દિલ્હીમાં વિરોધ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.ઇરાનીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધી પરિવારે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પાસેથી ૨,૦૦૦ કરોડથી વધુની સંપત્તિ કબ્જે કરવા યંગ ઇન્ડિયન નામની કંપની બહાર પાડી હતી.