
નવી િદલ્હી : રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે વિપક્ષો દ્વારા ઉમેદવારની પસંદગી માટે મંથન ચાલી રહ્યું છે.
આ ચૂંટણી માટે વિપક્ષો દ્વારા સર્વસંમતિ થાય તેવા ઉમેદવારની શોધ ચાલી રહી છે.જેમાં શરદ પવારનું નામ ઉભરીને સામે આવી રહ્યું છે.ભારતના સર્વોચ્ચ પદ માટે વિપક્ષના ઉમેદવાર તરીકે પવારની પસંદગી કરાય તેવી સંભવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.અહીંયા નોંધવું રહ્યું કે કોંગ્રેસે કથિત રીતે રાષ્ટ્રપતિ પદ માટે શરદ પવારને પોતાના સમર્થનથી વાકેફ કર્યા છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગત ગુરૂવારે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીના સંદેશ સાથે શરદ પવારની મુલાકાત કરી હતી.એનસીપી નેતાએ કોંગ્રેસના સંદેશના સંદર્ભમાં કોઈ પ્રતક્રિયા આપી નથી.આ દરમિયાન કોંગ્રેસ નેતા ખડગેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન સાથે વાતચીત કરી હતી.
રવિવારે શરદ પવારને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ ફોન કર્યો હતો.આ ઘટનાક્રમ વચ્ચે કોગ્રેસના એક નેતાએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની સાથે ફોન પર વાતચીત કરી હતી.મમતા બેનરજીએ શનિવારે વિપક્ષોના 21 નેતાઓે પત્ર લખીને બેઠક બોલાવી છે.બીજી તરફ,ભાજપ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર માટે જરૂરી સમર્થન મેળવવા માટે વિવિધ પક્ષના સાંસદ-ધારાસભ્યો સાથે વાતચીત કરવાની જવાબદારી જે.પી.નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને સોંપાઈ છે.