અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારના સભ્યોને 19 વર્ષિય યુવતીને પ્રેમ સંબંધ હોવાની જાણ થઇ હતી.જેથી પરિવારે યુવતીનો મોબાઇલ લઇ લીધો હતો અને તેઓ ઘરની બહાર જાય ત્યારે યુવતીને ઘરમાં પૂરી તાળું મારી જતા હતા અને ત્રાસ પણ આપતા હતા.આ દરમિયાન એક દિવસ યુવતી તકનો લાભ લઇ પલાયન થઇ ગઇ હતી.આ અંગે અભયમની ટીમે યુવતી અને તેના માતા તથા ભાઈનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાંથી અભયમ મહિલા હેલ્પલાઈનમાં એક યુવકે ફોન કરી જણાવ્યું હતું કે,એક યુવતી ઘરેથી ભાગીને આવી હોય તેવી હાલતમાં દેખાઈ રહી છે અને હાલ તે એક જગ્યાએ એક કલાકથી પણ વધારે સમયથી બેઠી છે અને ઘરે જવાની ના પાડે છે.કોલ મળતાની સાથે જ અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં યુવતીની પૂછપરછ કરી હતી.જો કે યુવતીએ પહેલાં તો કંઈ જણાવ્યું ન હતું.બાદમાં તેને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે,તે તેની માતા અને ભાઈ સાથે રહે છે અને તેની ઉંમર 19 વર્ષની છે.થોડા દિવસો પહેલાં યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.જેથી યુવતી તેના પ્રેમી સાથે વાતો કરતી અને જોડે હરવા ફરવા જતી હતી.બીજી તરફ આ અંગેની જાણ યુવતીની માતા અને ભાઈને થતાં તેઓએ યુવતીને ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી હતી.સાથે મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. એટલું જ નહીં માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.જો બજારમાં જાય તો યુવતીને ઘરમાં પૂરી બહારથી તાળું મારીને જતા હતા.
આ દરમિયાન ઘરમાં તેની માતા રસોઈ કરતી હતી ત્યારે તકનો લાભ લઈને યુવતી ઘરેથી ભાગી ગઈ હતી.આ સાંભળીને અભયમની ટીમે યુવતીને શાંત્વના આપી હતી સાથે જ તેના માતા અને ભાઈને બોલાવ્યા હતા.બાદમાં બન્નેનું કાઉન્સેલિંગ કરીને નાની ઉંમર હોવાથી ભૂલ થઈ જાય તો તેને હેરાન કરવાની જગ્યાએ પ્રેમથી સમજાવવી જોઈએ.બીજી તરફ યુવતીનું પણ કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે, માતા અને ભાઈ તેના સારા ભવિષ્યની ચિંતાના કારણે આવો વ્યવહાર કરે છે,જેથી ઘરની બહાર નીકળી જવું કે,માતાની વાત ના માનવી યોગ્ય નથી.જેથી યુવતીને પોતાની ભૂલ સજાઈ હતી.બીજી બાજુ માતા અને ભાઈએ યુવતીની માંફી માંગી હતી અને ફરી વખત તેને ક્યારેય હેરાન નહીં કરે તેવી બાંહેધરી આપી હતી.બાદમાં યુવતીને તેના માતા અને ભાઈની સાથે રહેવું હોવાથી તેને તેના ઘરે પરત મોકલી સમાધાન કરાવી કોલ પૂર્ણ કર્યો હતો.


