ગાંધીનગર : 18મી જૂને PM નરેન્દ્ર મોદી તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓની ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી મેદાન ખાતે યોજાનારા ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે અને તે પ્રસંગે ડભોઇના કુંઢેલા નજીક સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય)ના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.આ દિવસે તેઓ વડોદરામાં આકાર લેનારી દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પ્રારંભ કરાવશે.
ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક ૧૦૦ એકર જેટલી વિશાળ જમીન ફાળવી છે.જ્યારે ભારત સરકારે આ વિશ્વવિદ્યાલય માટે સુવિધા સંપન્ન પરિસરના નિર્માણ માટે~743 કરોડ મંજૂર કર્યા છે.અંદાજે 2500 વિદ્યાર્થીઓ અહીં વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરાયું છે.અહીં ગુજરાતની ભવ્ય સંસ્કૃતિનો પરિચય કરાવે એવું ભવ્ય પ્રવેશદ્વાર બનવાનું છે. હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ હેઠળ નિવાસી શિક્ષણની વ્યવસ્થા અહીંની આગવી વિશેષતા બનશે.આ વિશ્વ વિદ્યાલયમાં સંખ્યાબંધ વિદ્યાશાખાનું ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા ઘડાઈ છે.જે મુજબ રસાયણ વિજ્ઞાન,જીવ વિજ્ઞાન,નેનો સાયન્સ,પર્યાવરણ અને સમપોષક વિકાસ,પ્રયુક્ત સામગ્રી (એપ્લાઇડ મટીરિયલ)વિજ્ઞાન,માનવિકી(હ્યુમેનિટી)અને સામાજિક વિજ્ઞાન,ભાષા,સાહિત્ય,સંસ્કૃતિ,રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો,પ્રવાસી અધ્યયન અને પુસ્તકાલય વિજ્ઞાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.