અમદાવાદ : રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સી તરીકે ગણવાની માંગણી સાથે હડતાલ શરૂ કરી છે.આજે હડતાલ કર્યા પછી પણ સરકાર તરફથી કોઇ વાટાઘાટો ન થતાં આવતીકાલથી સુરત સિવાયની 5 સરકારી મેડિકલ કોલેજના પી.જી.ડોક્ટરો ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ કરવાની ચીમકી આપી છે.આ ડોક્ટરોની હડતાલના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત જુદી જુદી હોસ્પિટલમાં દર્દીલક્ષી કામગીરીને અસર થાય તેવી શકયતા છે.
બી.જે.મેડિકલ સહિત ભાવનગર,રાજકોટ,સુરત સહિતની છ મેડિકલ કોલેજના અંદાજે 1 હજાર ડોક્ટરો આજથી પોતાની માંગણી સાથે હડતાલ શરૂ કરી દીધી છે.ડોક્ટરોના કહેવા પ્રમાણે સરકાર પાસે અમારી અનેક નહીં માત્ર એક જ માંગણી છે.બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સી તરીકે ગણવી જોઇએ.ભૂતકાળમાં કોરોના મહામારીમાં કામગીરી કરનારા પી.જી.મેડિકલના ડોક્ટરોને આ પ્રકારની સુવિધા આપીને બોન્ડેડ સમયને સિનિયર રેસિડેન્સી તરીકે ગણવામાં આવ્યો છે.અમારી બેંચ દ્વારા સૌથી વધુ કોરોના મહામારીમાં કામગીરી કરવામાં આવી છે.
આ ઉપરાંત બોન્ડેડ સમયને સિનિયર રેસિડેન્સી તરીકે ગણવામાં આવે તો સરકારને પણ ફાયદો થાય તેમ છે કારણ કે રાજ્યમાં જયાં ડોકટરોની અછત છે ત્યાં આ તમામ ડોક્ટરોને નિયુક્તિ આપી શકાય તેમ છે.જે તે સમયે સરકાર દ્વારા પણ આ પ્રકારની બાંયેધરી આપવામાં આવી હતી.પરંતુ આજસુધી આ દિશામાં કોઇ કામગીરી કરવામાં આવી નથી.પી.જી.ડોક્ટરો તરફથી આ મુદ્દે છેલ્લા એક વર્ષથી સરકાર, આરોગ્ય વિભાગ સહિતના તમામ સ્તરે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.સમયાંતરે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.આંદોલન શરૂ કરતાં પહેલાં ડોક્ટરોએ સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું હતું.છતાં આરોગ્ય વિભાગ કે સરકાર દ્વારા સમાધાન માટે કોઇ કાર્યવાહી ન કરતાં આખરે આવતીકાલથી તમામ કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે.
ડોક્ટરોના કહેવા પ્રમાણે આજે હડતાલ પાડવામાં આવી હોવા છતાં સાંજ સુધી સરકાર દ્વારા કોઇ વાટાઘાટો સુદ્ધાં કરવામાં આવી નથી.આ સ્થિતિમાં હવે નાછૂટકે આવતીકાલથી કોરોના મહામારી સહિતની તમામ ઇમરજન્સી સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવી પડી છે.બી.જે.મેડિકલ સહિત તમામ સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો આવતીકાલથી તમામ કામગીરી બંધ કરીને હડતાલ કરશે.આ ઉપરાંત હડતાલના કારણે કોઇપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તેની જવાબદારી સરકારની રહેશે તેવી સ્પષ્ટતા પણ ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી.


