અમદાવાદ : શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીને વધુ સુંદરતા બક્ષવા અને નાગરિકોને હરવાફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરવા વર્ષોથી ચાલી રહેલાં રિવરફ્રન્ટ પ્રોજેકટમાં વર્ષો અગાઉ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનુ આકર્ષણ ઉમેરવાની વાત હવે સાર્થક પૂરવાર થવા જઇ રહી છે અને અક્ષર ટ્રાવેલ્સ નામની એજન્સીને તેનો વર્કઓર્ડર પણ આપી દેવાયાની જાહેરાત રિવરફ્રન્ટનાં કર્તાહર્તાઓએ કરી છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયુ છે કે,રિવરફ્રન્ટની બન્ને બાજુએ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ કમ રિવરક્રુઝ ચલાવવા માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ બહાર પાડવામાં આવી હતી.જેના માટે રસ ધરાવતી એજન્સીઓ પાસેથી બીડ પ્રાપ્ત થઇ હતી.આ તમામ બીડની ચકાસણી બાદ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્કઓર્ડર જારી કરવામાં આવ્યો છે તેવી જાણકારી રિવરફ્રન્ટનાં કર્તાહર્તાઓએ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષો અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ શરૂ થયો ત્યારથી આજદિન સુધી તે પૂરો થયો નથી,એટલુ જ નહિ રિવરફ્રન્ટ પ્રોજેકટ વિદેશની નકલ હોવાનુ કહેવાય છે અને તેવી જ રીતે રિવરફ્રન્ટમાં લોકોને આકર્ષવા માટે વિદેશનાં અનેકવિધ પ્રોજેકટની નકલ કરતાં તેનુ નજરાણુ ઉમેરવાની જાહેરાતો કરવામાં આવી હતી.રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે સને ૨૦૧૯માં એમઓયુ કરાયા હતા, ત્યારબાદ સને ૨૦૨૧માં પણ બીડ મંગાવવામાં આવી હતી,તે સમયે તો ટિકિટબારી પણ ક્યાં રાખવી તે નક્કી કરી દેવાયુ હતુ.પછી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેકટ ક્યારે ડૂબી ગયો તે જાણવા મળતુ નહોતુ.તેવી જ રીતે રિવરફ્રન્ટમાં બ્રિટનની થેમ્સ નદીનાં વિખ્યાત ચકડોળ જેવુ ચકડોળ લાવવામાં આવશે તેમ કહી શહેરીજનોને ચકડોળે ચઢાવાયા હતા.ત્યારબાદ રિવરફ્રન્ટમાં મલ્ટીપ્લેકસ અને સ્કલ્પ્ચર પાર્ક વગેરે અનેક પ્રોજેકટની મોટી મોટી જાહેરાતો થઇ પણ સાકાર થઇ શક્યા નથી.