ગાંધીનગર : આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મફત વીજળીના મુદ્દે આંદોલન શરૂ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.૨૪ જૂન સુધી ચાલનારા આંદોલન દરમિયાન હજુ રેલી,પદયાત્રા અને મશાલ યાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજાશે.તે દરમિયાન ગુજરાતની જનતાને ભાજપ સરકાર અને વીજ કંપનીઓની મિલી ભગતથી વાકેફ કરાશે તેમ આપ દ્વારા જણાવાયું છે.આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શિક્ષણ મોડલનો પર્દાફાશ કર્યા બાદ હવે વીજળી મુદ્દે પણ વાસ્તવિક સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવાશે.જેમાં સરકારી પાવર પ્લાન્ટમાંથી વીજ ઉત્પાદન વધારવાના બદલે ભાજપ સરકાર ઓછું કરીને ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહન આપી રહી હોવાની વાત ઉજાગર કરાશે.તો કેટલાક મથકમાં વીજ ઉત્પાદન બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી લઇને જનતાને મોંઘા ભાવે આપી રહી છે તે પણ બહાર લવાશે.
આપના અમદાવાદ શહેર પ્રમુખ જે.જે.મેવાડાએ જણાવ્યું હતું કે દિલ્હી જ એક એવું રાજ્ય છે જે પોતે વીજળી ઉત્પન્ન કરતું નથી તેમ છતાં તેઓ અન્ય વીજ કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે અને જનતાને મફતમાં વીજળી આપે છે.દિલ્હીમાં 7 વર્ષથી આપની સરકાર મફતમાં વીજળી આપે છે તો ગુજરાતમાં ભાજપની સરકાર 27 વર્ષથી શાસનમાં હોવા છતાં મફત વીજળી કેમ આપી રહી નથી તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
આપના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે બુધવારે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપીને ૨૦૦થી ૩૦૦ યુનિટ વીજળી જનતાને મફત આપવા માટે વિનંતી કરાઇ છે.ભાજપ ગુજરાતમાં મોંઘી વીજળી આપે છે અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવા મફત વીજળીની જાહેરાત કરતી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.