18મીએ હીરાબાનો શતાયુ પ્રવેશ : PM માતાના આશીર્વાદ લેશે

171

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ સપ્તાહના અંતમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.જોગાનુજોગ ૧૮ જૂને વડાપ્રધાનના માતા હીરાબાનો ૧૦૦મો જન્મદિન છે.આ પ્રસંગે વડાપ્રધાન મોદી માતાના આશીર્વાદ લેશે.વડાપ્રધાન ગાંધીનગર સચિવાલયથી જ સીધા પાવાગઢ જવા રવાના થશે.વડાપ્રધાન મોદી ૧૭મી એ જ મોડી સાંજે નવી દિલ્હીથી વિશેષ વિમાન મારફતે અમદાવાદ આવી પહોંચશે અને રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે.વહેલી સવારે માતાને મળવા રાયસણ જશે.

વડાપ્રધાનના વતન વડનગરમાં માતા હીરાબાના શતાયુ પ્રવેશ નિમિત્તે વિવિધ પ્રકારની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.૧૮મીએ માતા હીરાબાના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્ય માટે સંુદરકાંડ,શિવ આરાધના અને ભજનસંધ્યાનો ત્રીવેણી સંગમ યોજાશે.વડનગર હાટકેશ્વર મહાદેવ પરિસરમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી ભક્તિ સંગીત સંધ્યાનો ત્રિવેણી સંગમ યોજાવાનો છે.કેતનભાઇ કામલે દ્વારા સુંદરકાંડ પઠન થશે તો પ્રસિદ્ધ ગાયિકા અનુરોધા પોંડવાલ શિવ આરાધના પ્રસ્તુત કરશે.ભક્તિ ભજન જીતુભાઇ રાવલ તથા લોક હાસ્ય ગુણવંત ચુડાસમા તથા સંગીત નિયોજન પંકજ ભટ્ટ દ્વારા કરાશે.હાટકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન તથા સમસ્ત વડનગરના નગરજનો દ્વારા આ સમગ્ર ઉજવણી થશે.જોકે,વડાપ્રધાન આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની એક તરફ તૈયારીઓ ચાલી રહી છે.છ મહિના પછી યોજનારી ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન મોદીએ હવે ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી,જનહિતની યોજનાઓ,કાર્યક્રમોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણો માટે દર મહિને એકાદ-બે વખત પ્રવાસે આવી રહ્યા છે.૧૮ જૂનના રોજ માતા હીરાબાના આશીર્વાદ લઇને તેઓ સીધા પાવાગઢ પહોંચશે.પાવાગઢની ઉપલી ટોચ પર નવા રોપ વેના લોકાર્પણ સાથે મહાકાળી માતાના મંદિરે પૂજનઅર્ચન કરશે.ત્યાર બાદ વડોદરા પહોંચશે.અહીં માતૃશક્તિ,આદિજાતિમાં પોષણ સુધા યોજના લોન્ચ કરવા સાથે અંદાજે રૂ.૧૮૦૦૦ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે તથા જંગી જાહેર સભાને સંબોધશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના શતાયુ પ્રવેશ નિમિત્તે રાયસણ પેટ્રોલ પંપથી રાસયણ સુધીના ૮૦ મીટરના માર્ગનું નામ પૂજ્ય હીરાબા માર્ગ નામાભિદાન કરવાનો નિર્ણય લેવાયો છે.ગાંધીનગર શહેરના મેયર હિતેશ મકવાણાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છેકે,પોતાનું સમગ્ર જીવન ત્યાગ,તપસ્યા,સેવા અને કર્તવ્ય નિષ્ઠામાં ન્યોછાવર કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પૂ.હીરાબા 18 જૂને 100માં વર્ષે પ્રવેશ કરી રહ્યાં છે.ત્યારે લોકલાગણી અને માગણીને ધ્યાને રાખીને રાયસણ પેટ્રોલ પંપથી ૮૦ મીટરના રોડનું નામ પૂજ્ય હીરાબા માર્ગ રાખવાનું નક્કી કરાયું છે.

Share Now