નવી દિલ્હી : ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકર્તા DGCAએ ૨૧ માર્ચથી કુલ ૩૨માંથી ૩૦ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન(FTOs)નું ઓડિટ કર્યું છે.જેમાં સુરક્ષાના ઘણાં નિયમોનો ભંગ થયો હોવાનું માલૂમ પડ્યું હતું.
ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ) દ્વારા એક FTOની મંજૂરી રદ્દ કરાઈ છે.DGCAએ બે એકાઉન્ટેબલ મેનેજર્સને ‘વોર્નિંગ લેટર’ જારી કર્યો હતો.ચાર સર્ટિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સ ત્રણ ડેપ્યુટી CFIs અને એક આસિસ્ટન્ટ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટરને સસ્પેન્ડ કરાયા હતા.ઓડિટમાં જણાયું હતું કે,એરફિલ્ડ કે ટ્રેનિંગ સંસ્થા ખાતેની સુવિધા જરૂરિયાત પ્રમાણે જાળવવામાં આવતી નથી.જેમાં રનવેની સપાટી તૂટી ગયેલી જણાઈ હતી.ઉપરાંત,વિમાનોનું સંચાલન ખામીયુક્ત ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી કરાતું હતું.ઘણા FTOsમાં ફ્લાઇટ પહેલાં આલ્કોહોલ ટેસ્ટિંગના નિયમોનું પાલન થતું ન હતું.કેટલાક કેસમાં ટેસ્ટિંગના સાધનો નિયમ અનુસાર ન હતા.સત્તાવાર દસ્તાવેજમાં ખોટી માહિતી ભરાઈ હતી.સ્ટુડન્ટ પાઇલટ્સને સોલો ફ્લાઇટનું સંચાલન કરતા પહેલાં ઇમરજન્સીની સ્થિતિ અંગે અથવા જરૂરી પ્રક્રિયાઓની યોગ્ય સમજ કે તાલીમ આપવામાં આવતી ન હતી.