લખનૌ : સરકારે અગ્નિપથ યોજનામાં મોટો ફેરફાર કરતા આ યોજના હેઠળ ભરતીની ઉપલી વયમર્યાદાને 21થી વધારીને 23 કરવાનો નિર્ણય કર્યો છે.સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લાં બે વર્ષથી સેનામાં કોઈ ભરતી નહીં થઈ હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે અને આ વધારો માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે.દરમિયાનમાં આખા દેશમાં‘અગ્નિપથ’ની આગ લાગી છે.
બિહાર,ઉત્તરપ્રદેશ,રાજસ્થાન અને હરિયાણા સહિત મોટાભાગના રાજ્યોમાં ગુરુવારે સેનામાં ટૂંકાગાળાની ભરતીની આ યોજનાનો હિંસક વિરોધ થયો હતો.કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ પણ તેનો ભારે વિરોધ કર્યો છે.બીજી તરફ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ મનીષ તિવારીએ કેન્દ્રની આ યોજનાને યોગ્ય ગણાવી છે.બિહારમાં હિંસામાં આગ સૌથી વધુ લાગી છે.અનેક ટ્રેનો આગના હવાલે કરી દેવાઇ છે.તોડફોડ કરાઇ છે. સેનાની ત્રણેય પાંખમાં સૈનિકોને માત્ર ચાર વર્ષમાં જ કોઇ ગ્રેચ્યુઇટી કે પેન્શન વગર નિવૃત્ત કરવાની આ સ્કીમમાં વિચારણા છે.
પોલીસે રેલવે ટ્રેક્સ બ્લોક કરનાર યુવકોને વિખેરવા ટીયર ગેસના શેલ્સ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યા હતા.નવાડામાં ભાજપ ધારાસભ્ય અરૂણા દેવી પર હુમલો થયો હતો.રેલવેની મિલ્કતોની તોડફોડ થઇ હતી અને ૩૪થી વધુ ટ્રેનો રદ થઇ હતી.સ્કીમ અંગે ઊભી થયેલી ચિંતાઓનો ઉકેલ માટે‘ભ્રામકો વિરૂદ્ધ હકીકતો’નો દસ્તાવેજ ઉપરાંત તેના સમર્થનમાં સેનાના માહિતી વિભાગે અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ જારી કર્યા હતા.ચાર વર્ષના કાર્યકાળના અંતે‘સેવા નિધિ પેકેજ’પેટે આશરે ૧૧.૭૧ લાખના નાણાકીય પેકેજનો ઉલ્લેખ કરતાં તેમાં જણાવાયું છે કે તેનાથી યુવકોને નાણાકીય નિર્ભરતા મળશે અને તેમને ધંધો કરવા માટે મદદ મળી રહેશે.આવી સિસ્ટમ અનેક દેશોમાં છે.કોંગ્રેસના પૂર્વ વડા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે‘દેશના બેરોજગાર યુવાનોનો આવાજ સાંભળો.‘અગ્નિપથ’ પર ચાલીને તેમના ધીરજની અગ્નિપરીક્ષા ન લો.’
અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનોની વચ્ચે હિંસા થતાં સરકારે સરકારે એક ખુલાસો જારી કર્યો છે.જેમાં તેણે જણાવ્યું છે કે નવા મોડેલથી સેનામાં નવી ક્ષમતાઓ આવશે,તેની સાથે સાથે ખાનગી ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો પણ ખુલશે અને તેમને નિવૃત્ત પછી જે પેકેજની સહાય સાથે ઉદ્યોગસાહસિકો બનવામાં મદદરૂપ થશે.હરિયાણાના રોહતકમાં સેનાની ભરતીની તૈયારી કરી રહેલા સચિન(૨૩)નામના યુવકે ગુરૂવારે સવારે પીજીના રૂમમાં ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી લીધી હતી.સચિને બે વર્ષ અગાઉ જ સેનાની ભરતીમાં ફીઝિકલ અથવા મેડિકલ ટેસ્ટ પાસ કર્યો હતો.