બારડોલી : બારડોલી તાલુકાનાં તેન ગામના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાય જવાની ઘટનાને લઈ સ્થાનિક રહીશો દ્વારા બારડોલી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેન ગામના ગૌચર ફળિયા,નવા ફળિયા,પંચવટી પાર્ક સોસાયટી અને સુરુચિ વસાહતમાં દર વશે ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાય જાય છે.આ અંગે ચોમાસા પૂર્વેની કામગીરી બાબતે સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતને લેખિત અને મૌખિત જાણ કરી હતી.પરંતુ તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આથી કેટલાક ગ્રામજનોએ શુક્રવારના રોજ આ બાબતે તાલુકા પંચાયત કચેરીમાં લેખીતમાં રજૂઆત કરી છે.જેમાં તેમણે ગામના રહેણાક વિસ્તારમાં પાણી ન ભરાય અને ગટરોની સાફસફાઇ યોગ્ય રીતે થાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યુ છે.આ રજૂઆત ખુદ ઉપસરપંચ સંજય ચૌધરી,ઉપરાંત પરેશ નાયકા,શૈલેશ નાયકા,દર્શનાભાઈ,રમેશ રાઠોડ,ઇન્દુબેન ચૌધરી સહિતના ગ્રામ પંચાયત સભ્યો અને અન્ય ગ્રામજનોએ કરી છે.જેને લઈને ગામનું આંતરિક રાજકારણ પણ ગરમાયું ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.