
નવી િદલ્હી : ભારતમાં સતત વધી રહેલી હિંસાની ઘટનાઓથી દેશને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચી રહ્યું છે.સીએએ-એનઆરસી,કિસાન આંદોલન,પયંગમ્બર વિવાદ બાદ ભારતીય સૈન્યમાં લાગુ કરવા માટેની સૂચિત અગ્નિપથ યોજનાને લીધે દેશમાં મોટા પ્રમાણમાં હિંસા ફેલાઈ.આ જ કારણે ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારત 163 દેશોની યાદીમાં 135મા સ્થાન પર છે.જ્યારે ભારતના પડોશી દેશ ચીન 54 અને પાકિસ્તાન 138મા સ્થાન પર છે.આ હિંસક ઘટનાઓને લીધે ભારત 646 અરબ ડોલરનું નુકસાન થઈ ચૂક્યું છે.આ પૈસાથી દેશનું બજેટ વધારી શકાયું હોત.કેટલાય પ્રકારની વેલ્ફેર સ્કીમો લાગુ કરી શક્યા હોત. પરંતુ હિંસાની આગે તમામ આશા પર પાણી ફેરવી દીધું.
ભારતના કુલ જીડીપી પૈકી છ ટકા જેટલું નુકસાન હિંસાઓથી થયું છે.ગત વર્ષે પણ દેશમાં કેટલાક મુદ્દાઓને લઈને હિંસા પ્રસરી હતી.આ કારણે કર્ફ્યૂ,ઈન્ટરનેટ શટડાઉન જેવા આકરા પગલા ભરવા પડ્યા હતા.આ સિવાય આતંકવાદી અને નક્સલી હુમલાઓના કારણે પણ દેશને મોટું આર્થિક નુકસાન થયું છે.હિંસાની ઘટનાઓમાં જાન-માલને નુકસાન ઉપરાંત પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે પણ દેશને નુકસાન ઉઠાવવું પડ્યું છે.અહીંયા નોંધવું રહ્યું કે વર્લ્ડ પીસ ઈન્ડેક્સ-2020ના રિપોર્ટ મુજબ હિંસક આંતરિક સંઘર્ષનો સામનો કરી રહેલા દેશોની સંખ્યા 29થી વધીને 38 થઈ ગઈ છે.આફ્રિકા બાદ દક્ષિણ એશિયા વિશ્વમાં બીજા ક્રમનું સૌથી અશાંત ક્ષેત્ર છે.સીરિયા,દક્ષિણ સુદાન અને મધ્ય આફ્રિકી ગણરાજ્યમાં હિંસાને લીધે સૌથી વધુ નુકસાન થયું છે.જ્યારે આઈસલેન્ડ,કોસોવો અને સ્વિત્ઝરલેન્ડ હિંસાથી સૌથી ઓછા પ્રભાવિત છે.વર્લ્ડ પીસ ઈન્ડેક્સમાં આઈસલેન્ડ નંબર-1 પર છે,જ્યારે અફઘાનિસ્તાન 163 દેશોમાંથી સૌથી છેલ્લા ક્રમે છે.પીસ ઈન્ડેક્સમાં ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે અને આર્યલેન્ડ ત્રીજા ક્રમે.અફઘાનિસ્તાનથી ઉપર યમન અને સીરિયાનો ક્રમ છે.આ ત્રણેય દેશો ગંભીર રીતે આતંકવાદ અને ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યા છે.