અમદાવાદ : શુક્રવાર,17 જુન,2022 : મ્યુનિ.ની હોસ્પિટલ કમિટીની મળેલી બેઠકમાં શહેરના અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલ ખાતે બલ્ડ ટેસ્ટ,ડેન્ગ્યૂ ટેસ્ટ ઉપરાંત બ્લડ સુગર ટેસ્ટ માટેના એનેલાઈઝર મશીન વસાવવા નિર્ણય લેવાયો હતો.આ મશીન આવવાથી જે ટેસ્ટ ખાનગી હોસ્પિટલો કે લેબોરેટરીમાં કરાવવા ૨૦૦ થી ૪૦૦ રુપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે તે વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ શકશે.
હોસ્પિટલ કમિટીની બેઠકમાં ૧૧ એચ.બી.વન એસી એનલાઈઝર મશીન ૨૧.૧૫ લાખના ખર્ચે વસાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.બ્લડ સુગર માટે દર ત્રણ મહિને રિપોર્ટ કરાવવો પડતો હોય છે. ડાયાબીટીસના દર્દીઓ માટે પી ડાયાબીટીસ ચેક કરાવવાનુ થતુ હોય છે.આવા સમયે આ એનેલાઈઝર મશીનની મદદથી એવરેજ ત્રણ મહિનાનો સુગર રિપોર્ટ જાણી શકાય છે.શહેરના સાબરમતી,ચાંદખેડા, સરખેજ,દાણીલીમડા,વસ્ત્રાલ ઉપરાંત ગોમતીપુર,રખીયાલ અને નરોડા તેમજ વટવા અને ઘુમાં ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે આ મશીન મુકવામાં આવશે.
કમિટી ચેરમેનના કહેવા પ્રમાણે,બલ્ડ ટેસ્ટ અને ડેન્ગ્યૂ થવાના કેસમાં કરવામાં આવતા પ્લેટલેટ ટેસ્ટ માટે ૧.૬૩ કરોડના ખર્ચથી કુલ ૯૫ સીબીસી ઓટો એનેલાઈઝર મશીન ખરીદવા દરખાસ્ત મંજુર કરાઈ છે.આ પૈકી ૯૩ મશીન અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તેમજ એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલ ખાતે એક-એક મશીન મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.