રસ્તાના કામો એક જ કોન્ટ્રાક્ટરને પધરાવાતા કામગીરીને અસર : કોંગ્રેસ

137

અમદાવાદ : શહેરમાં રોડ રિસરફેસની કામગીરી સાવ ગોકળગાયની ગતિએ ચાલતી હોવા પાછળ ઇજનેર ખાતાની ગરબડ કારણભૂત હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતાએ જણાવ્યું હતું કે,એક જ કોન્ટ્રાક્ટરને ઢગલાબંધ કામો આપી દેવાતાં રોડ રિસરફેસની કામગીરીને અસર થવા પામી છે.મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે,રોડ રિસરફેસનાં મામલે શાસક ભાજપ અને ઇજનેર ખાતુ સદંતર નિષ્ફળ નિવડ્યા છે અને તેના કારણે શહેરીજનો કાંકરી ઉખડી ગયેલા રોડ,ધોવાઇ ગયેલાં રોડ,ખાડાખૈયાવાળા રોડ અને વર્ષોથી રિસરફેસ નહિ થયેલાં રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. તેમણે કહ્યું કે,રોડ રિસરફેસનાં ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટરની નાણાંકીય સધ્ધરતા તેમજ મશીનરી સહિતની સધ્ધરતા જોવાનાં નાટક કરવામાં આવે છે.

ત્યારબાદ મ્યુનિ.સત્તાધીશોના માનીતા હોય તેવા કોન્ટ્રાક્ટરોને જ ઢગલાબંધ કામો પધરાવી દેવામાં આવે છે તેના કારણે ઝોન અને રોડ પ્રોજેક્ટનાં કામ સમયસર પૂરા થતા નથી.આટલી સામાન્ય વાત હોવા છતાં કમિશનર પણ આંખ આડા કાન કરે છે.તેમણે દાખલો આપતાં કહ્યું કે,રોડ પ્રોજેકટ દ્વારા શહેરના મોટા રોડ રિસરફેસ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે.હાલમાં રોડ પ્રોજેકટનાં ૩૦ કામ જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહ્યાં છે,તેમાં ૨૮ કામ તો આર.કે.સી.ઇન્ફ્રાબિલ્ટ નામના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા છે.હવે સમજવા જેવી વાત એ છે કે એક જ કોન્ટ્રાક્ટર ૨૮ રોડનાં કામ લઇ બેસી ગયા હોય તેની પાસે ૨૮ રોડ રિસરફેસ કરવાની મશીનરી-મેનપાવર વગેરે હોવા જોઇએ.પરંતુ આ તમામ જગ્યાએ કામગીરી અમુક ટકા થઇ છે તે દર્શાવે છે કે,કોન્ટ્રાક્ટર નિયમ પ્રમાણે સાધનસજ્જ નથી.

મ્યુનિ.વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે,ખરેખર તો મ્યુનિ.કમિશનરે શહેરમાં રોડ રિસરફેસની કામગીરી ૧૦૦ ટકા સંતોષકારક રીતે થાય તે માટે દરેક ઝોનમાં અને રોડ પ્રોજેકટમાં એક કોન્ટ્રાક્ટરને વધુમાં વધુ ૩-૪ કામ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.આમ કરવાથી શહેરમાં રોડ રિસરફેસની કામગીરી ઝડપથી થશે અને નાગરિકોને સારા ગુણવત્તાયુક્ત ટકાઉ રોડની સુવિધા પ્રાપ્ત થશે.

Share Now