હાલમાં સમગ્ર રાજ્ય અને દેશમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરમાં બેસીને કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. તો ગુજરાતમાં આવી પોતાની આજીવિકા રળતા કેટલાક પ્રરપ્રાંતિય લોકોએ પોતાના વતનની વાટ પકડી છે. જેઓને વાહનવ્યવહાર મળી રહ્યો નથી તેઓ પગપાળા જ પોતાના વતન તરફ જઇ રહ્યા છે. આ લોકો સાથે તેમનો પરિવાર અને બાળકો પણ છે. જેઓ ભૂખ્યા-તરસ્યા પગપાળા વતન તરફ જઇ રહ્યા છે. આ લોકોની દયનિય સ્થિતિને જોઇ ગુજરાતના મુખ્યમંત્રીએ તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરી નાંખી છે.
રાજ્યનાં મુખ્યમંત્રીની ગુજરાતમાં કામ કરતા શ્રમજીવીઓને અપીલ કરી છે કે, શ્રમજીવીઓ પોતાના વતન ચાલીને ન જાય. અને તેમણે કહ્યું છે કે,”અમે તમારી ચિંતા કરીએ છીએ, રાજ્ય સરકાર શ્રમજીવીઓ માટે તમામ વ્યવસ્થા કરી રહી છે. સરકાર તરફથી પરપ્રાંતિય શ્રમિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા તંત્ર કરશે.”
વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હવે કોઈપણ શ્રમિક ગુજરાત બહાર ન નીકળે. લોકોને ઘર બહાર ન નીકળવા CM રૂપાણીએ અપીલ કરી હતી. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં અનેક રાજ્યના હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે.
કોરોના વાઈરસની જીવલેણ બીમારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 44 પર પહોંચી ગયો છે. રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાયા છે. 13 સેમ્પલ પૈકી 12 નેગેટિવ અને એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.