બળવાખોરો રુબરુ આવીને માંગે તો હું રાજીનામું આપવા તૈયારઃ ઉદ્ધવ

119

મુંબઈ : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારનાં પતનનું કાઉન્ટડાઊન શરુ થઈ ચૂક્યું છે.શિવસેનાએ તેના બાગી ધારાસભ્યોને સાંજ સુધીમાં મુંબઈ પાછા ફરવા માટે ઠાલી ચિમકી આપી હતી.પરંતુ બાગીઓએ આ અલ્ટીમેટમને ફગાવી દેતાં અને વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકરને પત્ર લખી ઉદ્ધવ પાસે સંસદીય દળના કોરમ જેટલા પણ ધારાસભ્યો નહીં હોવાનું જણાવતાં ઉદ્ધવ શરણાગતિની મુદ્રામાં આવી ગયા હતા. તેમણે સાંજે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને જણાવી દીધું હતું કે બળવાખોરો ઈચ્છતા હોય તો પોતે રાજીનામું આપી દેવા તૈયાર છે.રાજીનામાંનો પત્ર પણ તૈયાર છે.

બળવાખોરો મુંબઈ આવીને તેમની પાસેથી રુબરુમાં તે મેળવીને રાજ્યપાલને સોંપી શકે છે.બીજી તરફ રાજ્યમાં રાજકીય કટોકટી દરમિયાન જ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન બંને કોરોના સંક્રમિત બનતાં રાજકીય ઘટનાક્રમની ગતિ મંદ પડી છે.જોકે,એકનાથ શિંદે શરણાગતિના મૂડમાં નહીં હોવાથી ઉદ્ધવ પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહ્યો હોવાનું ચર્ચાય છે.આ સંજોગોમાં રાજ્યપાલ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.

શિવસેનાના પ્રવક્તા અને મહાવિકાસ આઘાડીની આર્કિટેક્ટ ગણાતા નેતા સંજય રાઉતે સવારે વર્તમાન રાજકીય સ્થિતિ વિસર્જનની દિશામાં આગળ વધી રહી છે તેવું ટ્વિટ કરતાં ઉદ્ધવ હવે ગમે તે ઘડીએ રાજીનામું આપી દેશે અને વિધાનસભા વિસર્જનની ભલામણ કરી દેશે તેવી અટકળો વ્યક્ત થઈ હતી.આજે બપોરે રુટિન પ્રમાણે જ કેબિનેટની બેઠક મળવાની હતી અને તેમાં રાજીનામાં તથા વિધાનસભા વિસર્જનનો ઠરાીવ થઈ શકે છે તેવી અફવા ચાલી હતી.જોકે,તેવું બન્યું ન હતું.

શિવસેનાએ બાગી ધારાસભ્યોને સાંજ સુધીમાં પાછા ફરવા અને નહીં તો શિસ્તભંગના પગલાં ભરવાની ચિમકી આપી હતી.પરંતુ,એકનાથ શિંદે જૂથે તે ચિમકી પણ ફગાવી દીધી હતી.આખરે સાંજે ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે એક પણ બળવાખોર ધારાસભ્ય ઈચ્છતો હશે કે હું મુખ્યપ્રધાનપદે ના રહું તો હું તત્કાળ મુખ્યપ્રધાનપદ છોડી દેવા તૈયાર છું.મારો રાજીનામાંનો પત્ર તૈયાર જ છે.મારી અપીલ એટલી જ છે કે અસંતુષ્ટ ધારાસભ્યો સૌથી પહેલાં આવીેને મને મળે.તેમની વાત મને કહે.હું મારો પત્ર તેમને સોંપી દઈશ.તેઓ તે પત્ર રાજ્યપાલને સુપરત કરી શકે છે.

ઉદ્ધવે કહ્યું હતું કે પોતે મુખ્યપ્રધાન તરીકેનો સરકારી બંગલો વર્ષા પણ ખાલી કરી દેવા તૈયાર છે અને પોતાના ખાનગી નિવાસસ્થાન માતોશ્રી ખાતે જતા રહેશે.ઉદ્ધવે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે હું માત્ર મુખ્યપ્રધાનપદ જ નહીં પરંતુ શિવસેનાનું અધ્યક્ષપદ પણ છોડવા તૈયાર છું.પરંતુ,બીજી કોઈ વ્યક્તિ રાજીનામું માગે તો એમ નહીં માગું.કોઈ અસંતુષ્ટ ધારાસભ્ય રુબરુ આવીને મને મોઢામોઢ કહે તો મારું રાજીનામું તો તૈયાર જ છે.

તેમણે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે જે તે સમયે એનસીપીના શરદ પવાર અને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના આગ્રહથી પોતે મુખ્યપ્રધાન બનવા સંમત થયા હતા.પરંતુ,આજે મારા પોતાના જ લોકો,મારા જ પક્ષના ધારાસભ્યો મારી વિરુદ્ધ છે તે જાણીને મને દુખ થયું છે.ઉદ્ધવે એ બાબતે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે તાજેતરમાં વિધાન પરિષદની ચૂંટણી વખતે સૌ ધારાસભ્યો હોટલમાં સાથે જ હતા.ત્યારે કેમ કોઈએ મને કશું કહ્યું નહીં.સીધા સુરત જઈને બોલવાનું શરુ કર્યું એ ઉચિત નથી.આજે કોંગ્રેસ અને એનસીપી એમ કહે કે અમારે ઉદ્ધવ મુખ્યપ્રધાન તરીકે નથી જોઈતા તો સમજી શકાય તેમ હતું પરંતુ તમે સુરત જઈને કહો છો એના કરતાં મારી સામે આવીને કહો કે તમે મને મુખ્યપ્રધાન તરીકે ઈચ્છતા નથી.

૨૦૧૪માં શિવસેના એકલા હાથે ચૂંટણી લડી હતી અને ૬૩ ધારાસભ્યો જીત્યા હતા.ત્યારે આપણે સરકારમાં જોડાયા હતા અનેે પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતુંં તેની યાદ તેમણે અપાવી હતી.શિવસેનાએ હિંદુત્વ છોડી દીધું છે અને પોતે અસલી હિંદુત્વ માટે લડી રહ્યા છે એવા બળવાખોરોના આક્ષેપોનો જવાબ આપતાં ઉદ્ધવે કહ્યું હતું કે શિવસેના માટે હિંદુત્વ એ શ્વાસપ્રાણ છે.તે છોડવાનો સવાલ નથી.ખુદ એકનાથ શિંદે તાજેતરમાં આદિત્ય ઠાકરે સાથે અયોધ્યાની મુલાકાતે ગયા હતા.તો પછી તેમને હવે કેમ શિવસેના હિંદુત્વ છોડી રહી હોવાનું લાગે છે.

તેમણે કહ્યું હતું કે હું કોરોના સંક્રમિત થયો છું.પાછલાં બે વર્ષોમાં જ રાજ્યએ કોરોનાના પડકારનો સમફળતાપૂર્વક સામનો કર્યો છે.મેં જે પણ કાંઇ કામ કર્યું છે તે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કર્યું છે એટલે જ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની ગણના આ મોરચે અસરકારક કામગીરીમાં થઈ છે.ભલે મને અનુભવ ના હોય પરંતુ હું જે કામ હાથમાં લઉં છું તે પૂરેપૂરી નિષ્ઠાથી પાર પાડું છું.પોતે ધારાસભ્યોને મળતા નહીં હોવાના આક્ષેપોનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે મારી ડોક પર શસ્ત્રક્રિયા થયા બાદ હું કોઈને મળી શકતો ન હતો એ કબૂલું છે.હું કોઈ નાટક કરતો નથી.સત્તા મેળવવા સંખ્યા કેવી રીતે એકત્ર કરવી તે મારા માટે ગૌણ છે.

Share Now