બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તેમ જ મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના સ્થાપક અને પ્રખર સાહિત્યપ્રેમી,લેખક,વરિષ્ઠ પત્રકાર તેમ જ માર્ગદર્શક,સમાજસેવક હેમરાજ શાહની વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.અગાઉ પચીસ વર્ષ સુધી ઉપપ્રમુખ રહ્યા પછી,ફરી વિશ્વ ગુજરાતી સમાજના બંધારણની જોગવાઈ મુજબ પ્રમુખશ્રીને મળેલી સત્તા અનુસાર સમાજના પ્રમુખ સી.કે. પટેલે તેમની,વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિયુક્તિ કરી છે.
નિયુક્તિ પત્ર મુજબ હેમરાજ શાહે એ જવાબદારી ૩૦ જૂનથી વહન કરવાની રહેશે.નિયુક્તિ પત્રમાં પ્રમુખ સી.કે.પટેલે હેમરાજ શાહની પ્રવૃત્તિને બિરદાવતાં જણાવ્યું છે કે ‘હેમરાજભાઈ,આપ આ સમાજના સ્થાપનાકાળથી સમાજ સાથે જોડાયેલા છો.એટલું જ નહીં,પણ સમાજની સ્થાપના તેમ જ પ્રગતિમાં તમારું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે.આપ આ હોદ્દા પરથી તમામ ગુજરાતી સમાજો અને સંગઠનો સાથે આ સમાજને સંકલિત કરી શકશો તેમ જ ગુજરાત બહાર આ સમાજની પ્રવૃત્તિનું વિસ્તરણ પણ કરી શકશો.અમને વિશ્વાસ છે કે આપની આ નિમણૂકથી સમાજનાં કાર્યોને વેગ મળશે.’