નો ટેન્શન, જસ્ટ એન્જૉય

146

મુંબઈ : મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ શિવસેનામાં બે-તૃતીયાંશથી વધુ વિધાનસભ્યોએ બળવો કર્યો હોવાનો ગઈ કાલે છઠ્ઠો દિવસ હોવાથી શિવસેના અને સાથી પક્ષોમાં ભારે ગરમાગરમી છે અને રાજ્યભરનું વાતાવરણ ડહોળાયેલું છે ત્યારે બળવો કરનારા શિવસેના અને અપક્ષો મળીને ૫૦ જેટલા વિધાનસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં જાણે કંઈ જ ન બન્યું હોય એવા મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું.તેઓ અહીં બર્થ-ડે સેલિબ્રેશન કરવાની સાથે સમય પસાર કરવા માટે મ્યુઝિકલ અંતાક્ષરી રમવાની સાથે સિન્ગિંગ કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.ગુવાહાટીમાં આવેલી રેડિસન બ્લુ હોટેલમાં છ દિવસથી રોકાયેલા એકનાથ શિંદે સાથે શિવસેના અને અપક્ષ વિધાનસભ્યો કંટાળી ગયા હોવાથી તેમની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હોવાના સમાચાર ગઈ કાલે વહેતા થયા હતા.જોકે હોટેલમાં આવું કંઈ થયું હોવાના કોઈ પુરાવા હાથ નહોતા લાગ્યા.કંટાળ્યા છીએ,પણ ઘર્ષણ નથી

હોટેલમાં રોકાયેલા એક વિધાનસભ્યે‘મિડ-ડે’ને કહ્યું હતું કે છ દિવસથી એક જ હોટેલમાં કોઈ પણ કામ વિના બેસી રહેવાનું કોઈ પણ વિધાનસભ્યને ન ગમે,કારણ કે જનતાના પ્રતિનિધિ હોવાથી અમે સવારથી રાત સુધી લોકો સાથે ઘેરાયેલા હોઈએ છીએ અને અચાનક એક રૂમમાં પુરાઈ જઈએ તો સ્વાભાવિક છે કે કંટાળી જઈએ.એક-બે દિવસ આવી સ્થિતિ સહન થાય,પણ વધુ સમય આવી રીતે કોઈ પણ ન રહી શકે.હોટેલમાં વિધાનસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચાર પાયા વિનાના છે.અમે બધા હળી-મળીને રહીએ છીએ.દિવસમાં બે વખત હૉલમાં બેઠક થાય છે એમાં સામેલ થઈએ છીએ અને બાકીનો સમય રૂમમાં સમય પસાર કરીએ છીએ.મ્યુઝિકલ અંતાક્ષરી અને સિન્ગિંગ

હોટેલમાં રોકાણના છ દિવસ થયા છે અને હજી કેટલો સમય રોકાવું પડશે એ કોઈ જાણતું ન હોવાથી ગુવાહાટીની હોટેલમાં રોકાયેલા વિધાનસભ્યો કેવી રીતે ટાઇમપાસ કરે છે? આવા સવાલના જવાબમાં એક વિધાનસભ્યે કહ્યું હતું કે’એક-બે વિધાનસભ્ય બહુ સારું સિન્ગિંગ કરે છે એટલે દિવસમાં એકાદ વખત મ્યુઝિકલ અંતાક્ષરી અને સિન્ગિંગ કરીએ છીએ.આમાં સારોએવો સમય પસાર થાય છે અને બધા એન્જૉય કરે છે.‍મ્યુઝિક તાણ ઓછી કરતું હોવાની સાથે મૂડ ઠીક કરે છે એટલે અમને આ ફાવી ગયું છે.’બર્થ-ડે સેલિબ્રેટ કરાયો ભંડારાના વિધાનસભ્ય નરેન્દ્ર ભોંડેકરનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી બધાએ તેમનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

કેક કાપ્યા બાદ એકનાથ શિંદેએ નરેન્દ્ર ભોંડેકરને કેક ખવડાવીને આશીર્વાદ આપ્યા હોવાનો વિડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.આ વિડિયોમાં એક પણ વિધાનસભ્ય ટેન્શનમાં હોય એવું નહોતું લાગતું.ઊલટું તેઓ હળવા મૂડમાં હોય એવું લાગતું હતું.ઉદ્ધવ ઠાકરે,આદિત્ય ઠાકરે અને સંજય રાઉત બળવો કરનારા વિધાનસભ્યોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે,પરંતુ તેઓ હોટેલમાં રહીને દરરોજ કાયદાકીય રીતે આગળ વધવા માટેના પ્રયાસમાં હોવાનું જાણવા મળ્યું હતું.હોટેલના ભોજનથી પરેશાની

આપણે અઠવાડિયે એકાદ વખત હોટેલનું જમીએ તો ચાલે, પણ છ દિવસ એક જ પ્રકારનું ભોજન મળે તો કેવું લાગે? સ્વાભાવિક છે કે ન જ ગમે.રેડિસન બ્લુ હોટેલમાં રોકાયેલા એક વિધાનસભ્યે કહ્યું હતું કે ‘ફાઇવસ્ટાર હોટેલ હોવા છતાં એક-બે વખત અહીંનું ભોજન સારું લાગે.અમે અહીં છ દિવસથી છીએ એટલે હવે ઘરનું સાદું ભોજન મિસ કરીએ છીએ.સવારથી રાત સુધી હોટેલનું ફિક્કું કે મસાલાવાળું ભોજન હવે નથી ભાવતું.જોકે જ્યાં સુધી નવી સરકારની સ્થાપના ન થાય અને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અમારે આવું ભોજન ચલાવવું જ પડશે.’

Share Now