સુરત, તા. 27 માર્ચ 2020 શુક્રવાર
કોરોના વાયરસના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર થયું હોય ધાર્મિક સ્થળોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મસ્જીદમાં નમાઝ અદા કરવા બધાને ભેગા કરો તેવી ઓડિયો કલીપ બનાવી વ્હોટ્સએપ ઉપર ફરતી કરનાર રીંગરોડના ઇન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ અને મૌલવી વિરૂદ્ધ સલાબતપુરા પોલીસે સોમવારે ગુનો દાખલ કરી તેની ઓફિસ, ઘરે છાપો માર્યો હતો પરંતુ તે ફરાર થઇ ગયો હતો. જોકે, સલાબતપુરા પોલીસે ગતરોજ તેને ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરોના વાયરસના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર થયું હોય જાહેર અને ખાનગી સ્થળોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા ઉપર સુરતના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુક્યો છે. જેથી ધાર્મિક કથા, નમાઝ, પ્રાર્થના કે ધાર્મિક કાર્યક્રમ અર્થે મંદિર, મસ્જીદ કે અન્ય ધાર્મિક સ્થળો ઉપર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ શકે નહીં.
દરમિયાન,ગત સોમવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના એલઆઈબીના હેડ કોન્સ્ટેબલ જ્ઞાનેશ્વરભાઈને વ્હોટ્સએપ ઉપર એક ઓડિયો કલીપ મળી હતી. જેમાં ધાર્મિક સ્થળે લોકોના એકત્ર થવાના જાહેરનામાનો ઉલ્લેખ કરી મસ્જીદ હાલમાં બંધ કરવાનું મુનાસીબ નથી, નમાઝ અદા કરવા બધાને ભેગા કરો તેમ કહેવાયું હતું. આ અંગે તેમને પીએસઆઇ એમ.ડી.ગામીતને જાણ કરી હતી.
પોલીસે ઓડિયો કલીપ કોને વાયરલ કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે લોકોમાં ઉશ્કેરણી થાય તેવી અફવા ફેલાવતી ઓડિયો કલીપ રીંગરોડ ટવેન્ટી ફર્સ્ટ બિલ્ડિંગની સામે આવેલા ઇન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ અને મૌલવી ફયાઝુદ્દીન દાદામિયાં શેખ ( લાતુરી ) એ બનાવી વાયરલ કરી છે.
પોલીસે આ અંગે મૌલવી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ઓફિસ, તેના નાનપુરા ગાંધીબાગની પાછળ આવેલા અમરજ્યોત એપાર્ટમેન્ટના ઘરે તેમજ તેના સંબંધીઓના સ્થાનો ઉપર છાપો માર્યો હતો પરંતુ તે ફરાર થઇ ગયો હતો. દરમિયાન, સલાબતપુરા પોલીસે ગતરોજ મૌલવીની ધરપકડ કરી હતી.