સુરત : સજાનો હુકમ એપલેટ કોર્ટે કાયદેસર ઠેરવ્યો ઃ30 જુન સુધી આરોપી ટ્રાયલ કોર્ટમાં હાજર ન થાય તો સજાના હુકમની બજવણી કરવા નિર્દેશ છ વર્ષ પહેલાં રૃ.5 લાખના ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમની કાયદેસરતાને પડકારતી અપીલને એડીશ્નલ સેશન્સ જજ અમિતાબેન વૈષ્ણવે નકારી કાઢી આરોપી તા.30 જુન સુધીમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર ન થાય તો હુકમની બજવણી કરવા કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
પુણા ગામમાં કારગીલ ચોક સ્થિત શિવમનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી ભાવિક અરવિંદ જોશીએ વર્ષ-2016 દરમિયાન આરોપી ચંદ્રિકાબેન રમેશભાઈ ભાલાળા(રે.ભૃગુરાજ સોસાયટી,વરાછા)ને પાંચ માસમાં પરત કરવાની બાંહેધરી અપાતા મિત્ર પાસેથી રૃા.2 લાખ અને પોતાના રૃા.3 લાખ મળી રૃા.5 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે ચંદ્રિકાબેને આપેલા રૃા.5 લાખના ચેક રીટર્ન થતાએડવોકેટ મિનેશ ધનસુખભાઈ ઝવેરી મારફત કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી.
કેસની અંતિમ સુનાવણી બાદ થર્ડ એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે તા.30-3-2019 ના રોજ આરોપી ચંદ્રિકાબેનને દોષી ઠેરવી એક વર્ષની કેદ,ચેકના નાણાં ફરિયાદીને વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.આ હુકમને ચંદ્રિકાબેને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.ફરિયાદીએ રજુ કરેલા ચેકમાં નામ,રકમ અને આંકડા ગુજરાતીમાં તથા આંકડામાં લખેલ રકમ તથા સહી અંગ્રેજીમાં કરી છે.આમ ફરિયાદીએ ચેક ઈસ્યુ કર્યો છે કે કેમ તે હકીકત નીચલી કોર્ટમાં પુરવાર થઈ ન હોવા છતાં કરેલો ભૂલભરેલો હુકમ રદ કરવા માંગ કરી હતી.
જેના વિરોધમાં ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે,આરોપીએ રિબર્ટ કરતા કોઈ પુરાવો રજુ કર્યો નથી.ઉલટ તપાસ સુધી આરોપીએ મૌન સેવ્યુ છે.માત્ર ઈન્કમટેક્સ પેપર રજુ કર્યા ન થવાથી કાયદેસરનું લેણું ન હોવાનું માની શકાય નહીં જે અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાને લેવો જોઈએ.જેને એપેલેટ કોર્ટે માન્ય રાખી આરોપીની અપીલ નકારી નીચલી કોર્ટનો વાદગ્રસ્ત હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા નિર્દેશ આપ્યો છે.