બોરસરા ગામની સીમમાંથી યુરિયા પંપની આડમાં ચાલતા શંકાસ્પદ બાયો ડીઝલના વેપલાનો સુરત જિલ્લા એલ.સી.બી.એ પર્દાફાશ કર્યો

123

બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની સીમમાંથી યુરિયા પંપની આડમાં ચાલતા શંકાસ્પદ બાયો ડીઝલના વેપલાનો સુરત જિલ્લા એલ.સી.બી.એ પર્દાફાશ કર્યો હતો.પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની અટક કરી 27.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ નેશનલ હાઇવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે,અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે નંબર 48ની બાજુમાં નાના બોરસરા ગામની સીમમાં આવેલ ગુરુકૃપા રાજપુરોહિત ધાબા પર હોટલના માલિક યુરિયા પંપની આડમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરી વાહનોમાં ડીઝલના પર્યાય રૂપે વેચાણ કરે છે.આ બાતમીના આધારે પોલીસની ટીમે છાપો મારતા સ્થળ પરથી વિરમારામ ભિયારામ ગોદરા(રહે.નાના બોરસરા,તા.માંગરોળ,મૂળ રહે બાડમેર,રાજસ્થાન)અને ફુલચંદ કૃપાશંકર પાલ(રહે મુંબઇ)ની અટક કરી હતી.પોલીસે 1800 લીટર જ્વલનશીલ પ્રવાહી કિંમત રૂ.1.35 લાખ,એક ટેન્કર કિંમત રૂ.25 લાખ ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂ.10 હજાર,ફ્યુલ પંપ કિંમત રૂ. 20 હજાર,મોબાઈલ ફોન કિંમત રૂ.5,500,લોખંડની ટેન્ક કિંમત રૂ.1 લાખ મળી કુલ 27.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વિમલ પદ્મરાજ રાજપુરોહિત અને અગ્રવાલ રોડ લાઇન્સના મેનેજર હનુમાનસિંગને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Share Now