મુંબઈ : પંકજ ત્રિપાઠીની ગણના ઓટીટીના સુપરસ્ટાર તરીકે થાય છે.આજની તારીખે ઓટીટીના સૌથી મોંઘા કલાકારોમાં તેનું નામ છે.પરંતુ તેની હીરો તરીકેની ફિલ્મ શેરદીલ,ધી પીલભીત સાગાનો બોક્સ ઓફિસ પર ભારે ધબડકો થયો છે.આ ફિલ્મ ગઈ તા.૨૪મીએ જુગ જુગ જિયોની સાથે રિલીઝ થઈ હતી.આથી તેનાં કલેક્શન માટે આમ પણ કોઈ આશા સેવાતી ન હતી.
પંકજ ત્રિપાઠી,નીરજ કબી અને સયાની ગુપ્તા જેવાં ઓટીટીના જાણીતાં નામો સંકળાયેલા હોવા છતાં થિયેટરમાં કોઈ ઉમટયું ન હતું.પંકજ ત્રિપાઠી મિર્ઝાપુર જેવી સિરીઝના કારણે માત્ર મલ્ટીપ્લેક્સ ઓડિયન્સ જ નહીં પરંતુ સેમી અર્બન અને રુરલ સેક્ટરમાં પણ જાણીતો છે પરંતુ કોઈએ આ ફિલ્મ જોવામાં રસ દાખવ્યો ન હતો.રસપ્રદ વાત એ છે કે રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ટી સીરીઝ જેવાં બોલીવૂડનાં બે મોટાં બેનર આ ફિલ્મ સાથે સંકળાયેલાં હોવા છતાં તેનું માર્કેટિંગ કે ડિસ્ટ્રિબ્યૂશન ઢંગથી કરાયું જ ન હતું.પહેલા દિવસે એટલી ખરાબ કમાણી થઈ કે ટ્રેડ સૂત્રો દ્વારા તેના ફિગર્સ લેવાના જ બંધ કરી દેવામાં આવ્યા હતા.કોઈ કલેક્શનના આંકડાની નોંધ પણ ના રાખે તેવી ખરાબ હાલત કમસેકમ પંકજ ત્રિપાઠીની ફિલ્મમાં થશે તેવી આશા કોઈએ ન હતી રાખી.મુંબઈ જેવા મહાનગરમાં પણ તેના રડયાખડયા બે-ચાર શો જોવા મળ્યા હતા.
ટ્રેડ સૂત્રોએ જણાવ્યું હતું કે એક તરફ ઓટીટી કન્ટેન્ટના કારણે બોલીવૂડને નુકસાન થયાના દાવા કરાય છે.પરંતુ,વાસ્તવમાં બોલીવૂડ અને ઓટીટીનાં મનોરંજન વચ્ચે બહુ મોટી ભેદરેખા છે.જુજ કલાકારોને કદાચ સફળતા મળે તો પણ સ્ટોરી અને કાસ્ટની રીતે બંને વચ્ચેે જે તફાવત છે તે રહેવાનો જ છે.શેરદીલ ધી પીલભીત સાગા આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે.પંકજ ત્રિપાઠીની કોર સ્કિલ ઓટીટી સિરીઝ છે અને તેણે તેના પર જ ફોક્સ કરવું જોઈએ.