એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનું પદ આપવાની જાહેરાત ગઈ કાલે બપોરે દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી બીજેપી મહારાષ્ટ્રની નવી સરકારનું નેતૃત્વ કરશે એવી અપેક્ષા હતી ત્યારે બીજેપીએ આખી ઘટનાને એક નાટકીય વળાંક આપતાં પક્ષના જ સભ્ય દેવેન્દ્ર ફડણવીસની સર્વસંમતિ ધરાવતા નેતાને મુખ્ય પ્રધાનપદે આરૂઢ કરવાના સ્થાને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા.જોકે દેવેન્દ્ર ફડણવીસને પછીથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવા માટે સહમત કરાયા હતા.
એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનું પદ આપવાની જાહેરાત ગઈ કાલે બપોરે દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી.તેમણે કહ્યું હતું કે હું કૅબિનેટથી દૂર રહીશ.જોકે માત્ર બે જ કલાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપી હાઈ કમાન્ડે આ નિર્ણય બદલીને તેમને રાજ્ય તેમ જ પક્ષના હિત માટે શિંદેના ડેપ્યુટી બનવા જણાવ્યું હતું.સેનાના બળવાખોર નેતાઓ ગોવાથી મુંબઈ પાછા ફર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે ગઈ કાલે બપોરે ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા.
જેમ એકનાથ શિંદેનો બળવો નાટકીય હતો એમ દિવસના ઉત્તરાર્ધમાં આવેલો વળાંક પણ ઓછો નાટકીય નહોતો.દેવેન્દ્ર ફડણવીસે સત્તામાં ભાગીદાર થવાનો ઇનકાર કરતાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દિલ્હીમાં કહ્યું કે પક્ષની કેન્દ્રીય કમિટીએ તેમને નાયબ મુખ્ય પ્રધાન બનવા જણાવ્યું છે.તેમણે ફડણવીસને અંગત રીતે પાર્ટી તથા રાજ્યની જનતાના હિતને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારવા કહ્યું હતું.
તેમની પાછળ તરત જ ગૃહપ્રધાન અમિત શાહે પણ ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકાર્યું હોવાની ટ્વીટ કરીને જણાવ્યું હતું.સૂત્રોએ જણાવ્યા અનુસાર ફડણવીસ રાજ્ય એકમના વડા બનવા માગતા હતા,પરંતુ પાર્ટી હાઈ કમાન્ડ તેમની સાથે સહમત નહોતા થયા.શિંદે અને ફડણવીસે તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા દરબાર હૉલમાં શપથ ગ્રહણ કર્યા હતા,જ્યાં મંચ પર ફડણવીસની બેઠક બનાવવા માટે વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા હતા