માલિક અને તેમની પત્ની વચ્ચે વાદવિવાદ થવો ન જોઈએ એવી લાગણીએ કાંદિવલીના એક પરિવારના ત્રણ જણના જીવ લીધા? જોકે ત્યાર બાદ ડ્રાઇવરે પોતે પણ કરી આત્મહત્યા કાંદિવલી-વેસ્ટમાં રઘુવંશી ડેરીની પાછળ બૅન્ક ઑફ બરોડા પાસે પહેલાં રાધાબાઈ દળવી હૉસ્પિટલ તરીકે જાણીતા બિલ્ડિંગમાં આશિષ દળવી અને તેનો પરિવાર રહેતો હતો.આ નિવાસસ્થાને ૬૦ વર્ષનો શિવદયાળ સેન નામનો ડ્રાઇવર ઘરની વસ્તુઓ લાવવામાં મદદ કરવા ઉપરાંત આશિષના પરિવાર સાથે આશરે દસ વર્ષથી સાથે રહેતો હતો.
બુધવારે મોડી રાતે ઘરમાંથી બૂમોનો અવાજ આવી રહ્યો હતો.પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં એને આશિષની ૪૫ વર્ષની પત્ની કિરણ દળવી અને ૨૬ વર્ષની દીકરી મુસ્કાનની કોયતાથી વાર કરીને હત્યા કરેલી ડેડ-બૉડી મળી આવી હતી,જ્યારે ડ્રાઇવર અને દંપતીની ૧૭ વર્ષની દીકરી ભૂમિ બન્ને અન્ય બેડરૂમમાં એક જ રસીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં.મુંબઈમાં દળવી પરિવારની નજીકના સભ્યો ઓછા રહેતા હોવાથી ઇન્દોરમાં નવ વર્ષના દીકરા આદિત્ય સાથે રહેતો આશિષ મુંબઈ આવે ત્યારે આ કેસ વિશે વધુ માહિતી મળી શકશે હોવાનું પોલીસનું કહેવું છે.
મોબાઇલની લાઇટથી પોલીસ ઘરમાં ગઈ રાતે માહિતી મળતાં અમે ખૂબ સાવચેતીપૂર્વક ઘટનાસ્થળે પહોંચ્યા હતા એવી માહિતી આપતાં કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યંા હતું કે‘કન્ટ્રોલ પર ફોન આવવાની સાથે પોલીસ સ્ટેશને આવીને પણ એક વ્યક્તિએ જણાવ્યું હોવાથી આ બનાવની માહિતી મળતાં તરત જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.પહેલાં અહીં રાધાબાઈ દળવી હૉસ્પિટલ હતી અને હાલમાં આશિષ દળવીનો પરિવાર રહેતો હતો.ઘટનાસ્થળે પહોંચીને અમે અંદર ગયા,પરંતુ લાઇટનું અજવાળું ઓછું હતું.
અંદરથી દરવાજો બંધ હોવાથી એને તોડીને અમે અંદર ગયા હતા.અંદર જતાં લોહી જોવા મળ્યું હતું એને આધારે આગળ વધતા એક પછી એક એમ લોહીલુહાણ હાલતમાં બે ડેડ-બૉડી જોવા મળી હતી.હત્યારો અંદર હોવાની શંકાએ અમે મોબાઇલની ટૉર્ચના પ્રકાશે ધીમે-ધીમે અંદર ગયા હતા.અન્ય રૂમ અંદરથી બંધ હતી એને તોડીને અંદર જતાં ડ્રાઇવર અને ભૂમિ એક રસી પર લટકતાં જોવા મળ્યાં હતાં.કિરણ અને મુસ્કાનને મોઢા પર અને હાથમાં કોયતાથી વાર કરવામાં આવ્યા હતા.કિરણના પતિ આશિષને જાણ કરી હોવાથી તે આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે.જોકે ડ્રાઇવર અને કિરણની નાની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો કે નહીં એ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.’


