અમદાવાદ : અમદાવાદમાં જગદીશ મંદિર ખાતેથી નિકળનારી ૧૪૫મી રથયાત્રાને ધ્યાનમાં લઈ એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની ૨૫૦થી વધુ બસ આજે બંધ રાખવામાં આવશે.એ.એમ.ટી.એસ.ના ૭૫ તેમજ બી.આર.ટી.એસ.ના છ રુટમાં ડાયવર્ઝન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રતિ વર્ષની પરંપરા મુજબ આજે શહેરમાં રથયાત્રા નિકળવાની છે.રથયાત્રા નિમિત્તે વાહનવ્યવહારમાં સરળતા રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી ૭૫ રુટ ઉપર દોડાવાતી ૨૯૭ બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.૧૧ રુટ ઉપર દોડાવાતી ૩૪ બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ બાર રુટની બાર બસ બંધ રાખવામાં આવશે.રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી ૧૨ રુટની કુલ ૧૩૯ બસ બંધ રાખવામાં આવશે.અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રુટ ઉપર દોડાવવામાં આવતી બી.આર.ટી.એસ.ના શિડયુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.બી.આર.ટી.એસ.ના ચાર રુટની ૭૦ બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ છ રુટ ઉપર દોડાવવામાં આવતી ૧૧૬ બસ બંધ રાખવામાં આવશે.