રાહત માગવા ગયાં, થઈ આકરી ઝાટકણી

132

નૂપુરે તેમની સામે જોખમનું કારણ આગળ ધરીને તેમના વિરુદ્ધના તમામ એફઆઇઆર દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી,પરંતુ અદાલતે તેમની અને સાથે દિલ્હી પોલીસની ટીકા કરી બીજેપીનાં સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્મા ગઈ કાલે રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયાં હતાં.તેમને રાહત તો ન મળી,પરંતુ તેમની આકરી ટીકા જરૂર થઈ હતી.નૂપુરે તેમના વિરુદ્ધના દેશભરમાં અનેક એફઆઇઆરને દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જોકે પયગંબર મોહમ્મદ વિશેની કમેન્ટ્સ કરીને તનાવ સર્જવા બદલ અદાલતે નૂપુરની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમણે તાત્કાલિક સમગ્ર દેશની માફી માગવી જોઈએ.નૂપુરે તેમની સામે જોખમનું કારણ આગળ ધરીને તેમના વિરુદ્ધના તમામ એફઆઇઆર દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી.જોકે આખરે નૂપુરે તેમની અરજી પાછી ખેંચી લીધી હતી.અદાલતે એમ પણ જણાવ્યું હતું કે તેમનાં બેજવાબદાર નિવેદનોએ સમગ્ર દેશમાં આગ લગાવી છે.અદાલતે જણાવ્યું હતું કે‘જે રીતે તેમણે સમગ્ર દેશમાં રોષની લાગણી જન્માવી છે,દેશમાં જે કંઈ બની રહ્યું છે એના માટે આ લેડી એકલી જવાબદાર છે.’નૂપુર શર્માએ આ મહિનાની શરૂઆતમાં એક ટીવી ડિબેટમાં વાંધાજનક કમેન્ટ્સ કરી હતી જેનાથી ભારતમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો હતો એટલું જ નહીં,અનેક ગલ્ફ દેશોએ પણ એની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

નૂપુરના વકીલે જણાવ્યું હતું કે અરજીમાં નૂપુર શર્માએ તેમના નામનો ઉપયોગ કર્યો નથી કેમ કે તેમને ધમકીઓ મળે છે.અદાલતે આ દલીલને ફગાવીને કહ્યું હતું કે બધા સાથે સમાનતા રાખવામાં આવશે. કોઈ ભેદભાવ નહીં થાય.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે‘તેમની કમેન્ટ્સ તેમના દુરાગ્રહ અને ઘમંડી વ્યક્તિત્વ દર્શાવે છે.તેઓ એક પાર્ટીની પ્રવક્તા છે તો શું થયું? તેઓ વિચારે છે કે તેમને સત્તાનું પીઠબળ છે અને દેશના કાયદાની અવગણના કરીને કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે છે.’

અદાલતે જણાવ્યું હતું કે‘આ લોકો ધાર્મિક નથી.તેમના મનમાં બીજા ધર્મો પ્રત્યે આદરભાવ નથી.આ કમેન્ટ્સ ચીપ પબ્લિસિટી કે પૉલિટિકલ એજન્ડા કે કોઈ અન્ય ઘૃણાસ્પદ ઍક્ટિવિટીઝ માટે કરવામાં આવી હતી.’નૂપુરના વકીલે જવાબમાં કહ્યું હતું કે તેમણે તો એક ટીવી ડિબેટમાં ઍન્કર દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો માત્ર જવાબ આપ્યો છે.’અદાલતે કહ્યું કે‘તો પછી હોસ્ટની વિરુદ્ધ પણ કેસ દાખલ થવો જોઈએ.’

Share Now