ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી કોરોના પોઝિટિવનો એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગ સહિત સરકારે હાશકારો અનુભવ્યો હતો. પણ સાંજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું કે, રાજકોટમાં 11 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 3 વ્યક્તિઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ હવે ગુજરાતમાં પોઝિટિવ કેસોનો કુલ આંકડો 47 થયો છે અને 3નાં મોત નિપજ્યા છે.
રાજકોટમાં વધારે 3 કેસ પોઝિટિવ નોંધાતા હવે રાજકોટમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 8 પર પહોંચી ગયો છે. ગઈકાલે 11 વ્યક્તિઓનાં રિપોર્ટ લેવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા હતા. જો કે આજે દિવસનાં અંતે રાજકોટમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં ચીનથી આવેલાં બે પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં જો હવે 47 પોઝિટિવ કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 7 કેસ, ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. અને ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 3 લોકોના મોત થયા છે. જેમાં સુરતમાં એક, અમદાવાદમાં એક અને ભાવનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.


