
નવી દિલ્હી : ડૉક્યુમેન્ટરી ફિલ્મ‘કાલી’ના વિવાદાસ્પદ પોસ્ટરને લઈને ફિલ્મમેકર લીના મણિમેકલાઇ વિરુદ્ધ દિલ્હી અને લખનઉમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.સોશ્યલ મીડિયામાં ફરતી થયેલી પોસ્ટમાં કાલી માતાને સિગારેટ પીતી તેમ જ એલજીબીટીક્યુ સમુદાયના ગૌરવ ધ્વજ સાથે દર્શાવાઈ છે.ધાર્મિક આધાર પર વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન તેમ જ સંવાદિતતા ભંગ થાય એવા ઇરાદાપૂર્વક કૃત્ય કરવાના ગુનાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.દરમ્યાન ફિલ્મમેકર લીનાએ કહ્યું હતું કે‘મારે કંઈ જ ગુમાવવાનું નથી.હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ડર્યા વગર મારો અવાજ બુલંદ કરીશ. ભલે એની કિંમત મારે મારો પ્રાણ આપીને પણ ચૂકવવી કેમ ન પડે?’
પોસ્ટરને લઈને થયેલા વિવાદ બાદ લીનાએ તમિલમાં ટ્વીટ કરીને આ જવાબ આપ્યો હતો.વધુમાં તેણે લોકોને આ પોસ્ટર પાછળના સંદર્ભને સમજવા માટે ડૉક્યુમેન્ટરી ફિલ્મ જોવાની પણ વિનંતી કરી હતી.
દરમ્યાન દિલ્હીમાં હિન્દુ સેનાના નૅશનલ પ્રેસિડન્ટ વિષ્ણુ ગુપ્તાએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે‘જેઓ ધર્મની મજાક ઉડાવે છે તેમની ધરપકડ કરો અથવા તો તેમને સારો એવો ઠપકો આપો.આ વાણીસ્વાતંત્ર્ય નથી, પરંતુ અમારી સંસ્કૃતિ અને લાગણીઓ પર પ્રહાર છે.’આ ફિલ્મનો સોશ્યલ મીડિયા પર ખૂબ વિરોધ કરવામાં આવ્યો છે.