સુરત : ગુજસીટોક હેઠળ જેના વિરૂધ્ધ બે ગુના નોંધાયેલા છે એવા નાનપુરા જમરૂખ ગલીના માથાભારે અને કુખ્યાત સજ્જુ કોઠારીએ લાજપોર જેલમાં બેઠા બેઠા અડાજણ પાટીયાના જમીન દલાલને સમાધાન કરવા અને કોર્ટના ખર્ચ પેટે 2.50 લાખ ચુકવી આપવા માટે પોતાના ભાઇ આરીફ કોઠારી હસ્તક ધમકી આપતા રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અડાજણ પાટીયાના ધનમોરા કોમ્પ્લેક્ષ સામે ફીરદોશ ટાવરમાં રહેતા જમીન દલાલ સોહેલ અહમદ મનસુર(ઉ.વ.40)એ ઉછીના લીધએલા 2.50 કરોડ પરત આપી દીધા હોવા છતા ગુજસીટોક હેઠળના ગુનામાં જામીન પર છુટેલા માથાભારે સજ્જુ કોઠારીએ પુનઃ ઉઘરાણી શરૂ કરી હતી.સજ્જુએ સોહેલને ધમકી આપી હતી કે તેરા ફેસલા કર દુંગા, પહેલે મારા થા વો ભુલ ગયા,નહીં તો વાપસ યાદ કરવાના પડેગા. આ ગુના ઉપરાંત પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જવા સહિતના ગુનામાં સજ્જુ હાલ લાજપોર જેલમાં કેદ છે.
પરંતુ જેલમાં બેઠા બેઠા પણ સજ્જુએ ખંડણી ઉઘરાવવાનું ચાલુ રાખ્યું છે.સજ્જુ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવનાર સોહેલ ગત એપ્રિલ મહિનામાં પરિવાર સાથે ઘરે હતો ત્યારે મધરાતે સજ્જુનો ભાઇ આરીફ કોઠારી, અસગર બાગવાલા,અહમદ બાગવાલા અને અશરફ કોઠારી ઘસી આવ્યા હતા.આરીફ અને અશરફે સોહેલને ધમકી આપતા કહ્યું હતું કે સજ્જુ કી મેટર મે સમાધાન કે લીયે આયે હૈ,તુ કેસ પાછો ખેંચી લે,સજ્જુ જેલમાં ગયો છે જેનો કોર્ટમાં 2.50 લાખ ખર્ચ થયો છે જે તારે આપવો પડશે,નહીં તો ઘરમાંથી બહાર નીકળવું ભારે પડી જશે.

