– કાલી ફિલ્મના પોસ્ટરનો વિવાદમાં અન્ય ત્રણ સામે પણ કેસ નોંધાયો
– ભારતીય દૂતાવાસની કેનેડીયન તંત્રને ફિલ્મની વાંધાજનક સામગ્રી હટાવવા વિનંતી : નિર્માત્રી લીનાનો માફી માગવા ધરાર ઈનકાર
નવી દિલ્હી, તા.૫ : દેશ તથા દુનિયામાં ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાની ઘટનાઓ વધી રહી છે. હવે ફિલ્મ કાલીના પોસ્ટરમાં માતા કાલીને સિગારેટ પીતાં દર્શાવવાનો વિવાદ વકરી રહ્યો છે.આ ફિલ્મના વિવાદિત પોસ્ટર પર ફિલ્મની નિર્માત્રી લીના મણિમેકલઈ અને અન્ય ત્રણ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ તથા દિલ્હીમાં એફઆઈઆર નોંધાઈ છે.વધુમાં કેનેડામાં ઓટાવા સ્થિત ભારતીય દૂતાવાસે હિન્દુ સમુદાયની ફરિયાદને પગલે કેનેડિયન ઓથોરિટીને ફિલ્મ કાલી સંબંધિત બધી જ વાંધાજનક સામગ્રી હટાવવા અપીલ કરી છે.
દસ્તાવેજી ફિલ્મ કાલીની નિર્માત્રી લીના મણિમેકલઈ, એસોસિએટ પ્રોડયુસર આશા ઓનાચન તથા એડિટર શ્રવણ ઓનાચન વિરુદ્ધ લખનઉની હજરતગંજ પોલીસ સ્ટેશનમાં હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવા અને ગંભીર ગુનાઈત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.લખનઉમાં વકીલ વેદ પ્રકાશ શુક્લાએ ફિલ્મ નિર્માત્રી સામે એફઆઈઆર નોંધાવી છે.તેમણે લીના મણિમેકલઈની તાત્કાલિક ધરપકડ કરવા માગણી કરી છે.
દરમિયાન કાલી ફિલ્મના પોસ્ટર વિવાદમાં દિલ્હી પોલીસને બે ફરિયાદો મળી હતી, જેને પગલે દિલ્હી પોલીસના સાઈબર ક્રાઈમ સંભાળતા આઈએફએસઓ યુનિટે માતા કાલી ફિલ્મના વિવાદિત પોસ્ટર સામે પગલાં લેતાં કલમ ૧૫૩-એ અને ૨૯૫-એ હેઠળ એફઆઈઆર નોંધી છે.એફઆઈઆરમાં હિન્દુ દેવી અંગે અપમાનજનક ચિત્રણ મારફત ગુનાઈત કાવતરું,ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરવા,શાંતિ ભંગ કરવાના ઈરાદા સહિત અનેક આરોપ લગાવાયા છે.
દરમિયાન કાલી ફિલ્મના વિવાદથી કેનેડામાં પણ ભારે હોબાળો સર્જાયો છે.ઓટાવા સ્થિત ભારતીય દૂતાવાસે કેનેડાના અધિકારીઓને દસ્તાવેજી ફિલ્મ કાલી સંબંધિત બધી જ વાંધાજનક સામગ્રી હટાવવા અપીલ કરી છે.દૂતાવાસને કેનેડાના હિન્દુ સમાજના નેતાઓએ ત્યાં દર્શાવાયેલી ફિલ્મના પોસ્ટરમાં હિન્દુ દેવીના અપમાનજનક ચિત્રણ અંગે ફરિયાદો કરી હતી.ટોરોન્ટોમાં રહેતી ફિલ્મ નિર્માત્રી લીના મણિમેકલઈએ ૨જી જુલાઈએ તેની દસ્તાવેજી ફિલ્મ કાલીનું પોસ્ટર શૅર કર્યું હતું.પોસ્ટરમાં માતા કાલીને સીગારેટ પીતા દર્શાવાયા છે અને એક હાથમાં એલજીબીજીટી સમુદારનો સતરંગી ઝંડો દર્શાવાયો છે.માતા કાલીનું આવું પોસ્ટર સામે આવ્યા પછી લોકોએ તેનો ભારે વિરોધ કર્યો છે.સોશિયલ મીડિયા પર લીના મણિમેકલઈને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી છે.જોકે, લીનાએ આ મુદ્દે માફી માગવાના બદલે લોકોને તેને સપોર્ટ કરવા વિનંતી કરી છે.તેણે કહ્યું કે હું જ્યાં સુધી જીવીત રહીશ ત્યાં સુધી કોઈપણ ડર વિના બોલતી રહીશ। મારી પાસે ગુમાવવા માટે કશું નથી. મારા અવાજની કિંમત મારું જીવન હોય તો હું તે પણ ચૂકવી શકું છું.

