ગુજરાતમાં વરસાદે પૅટર્ન બદલી,છેલ્લા કેટલાક દિવસથી રાતે જ વરસે છે ધોધમાર,કોડિનાર તાલુકામાં ૧૩ ઇંચથી વધુ અને સુત્રાપાડા તાલુકામાં સાડાબાર ઇંચ વરસાદ પડતાં જળબંબોળ,સોમનાથ હાઇવે બંધ કરવો પડ્યો ગુજરાતમાં વરસાદની મોસમે જમાવટ કરી છે ત્યારે આ વખતે ગુજરાતમાં વરસાદે પૅટર્ન બદલી હોય એમ જણાઈ રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં રાતે જ ધોધમાર વરસાદ વરસે છે.મંગળવારે રાતે વધુ એક વખત મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળ્યું હતું અને આ જિલ્લાના સુત્રાપાડા અને કોડિનાર તાલુકામાં બારેમેઘ ખાંગા થયા હોય એમ વરસાદ તૂટી પડ્યો હતો.મંગળવાર રાતથી બુધવાર બપોરે ચાર વાગ્યા સુધીમાં કોડિનાર તાલુકામાં ૧૩ ઇંચથી વધુ અને સુત્રાપાડા તાલુકામાં સાડાબાર ઇંચ વરસાદ પડતાં આ બે તાલુકા જળબંબોળ થઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું.
મંગળવારે રાતથી જ મેઘરાજાએ સુત્રાપાડા અને કોડિનાર તાલુકાને ધમરોળી નાખ્યું હોય એમ મંગળવારે રાતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સાડાછ ઇંચ અને કોડિનાર તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો હતો,જ્યારે ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં કોડિનારમાં સાત ઇંચ જેટલો અને સુત્રાપાડામાં છ ઇંચથી વધુ વરસાદ પડતાં ચારેકોર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી.નદી-નાળાં છલકાયાં હતાં. સુત્રાપાડાના વાવડી,કુંભારવાડા,સિંગસર સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાયાં હતાં.સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતાં જનજીવન પ્રભાવિત થયું હતું.મોરડિયા ગામે સોમત નદીનાં પાણી રસ્તા પર ફરી વળતાં કોડિનાર–સોમનાથ હાઇવે બંધ કરવો પડ્યો હતો.એન.ડી.આર.એફ.ની એક ટીમ વાવડી ગામે બચાવ કામગીરી માટે પહોંચી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ગીર સોમનાથ જિલ્લા પર જાણે કે મેઘ કેર જેવી સ્થિતિ સર્જાઈ હતી.જિલ્લાના કોડિનાર,સુત્રાપાડા ઉપરાંત વેરાવળ તાલુકામાં ગઈ કાલે પાંચ ઇંચ જેટલો,તલાલામાં દોઢ ઇંચ,ગીર ગઢડામાં એક ઇંચથી વધુ અને ઊના તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.


