થાણેમાં બાઇકરનો જીવ ખાડાએ લીધાના એક દિવસ પછી ગઈ કાલે‘મિડ-ડે’એ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિલે પાર્લેમાંના મસમોટા જીવલેણ ખાડાઓ તરફ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું અને એને કોઈ દુર્ઘટના બને એ પહેલાં જ ભરી દેવાયા થાણેના ઘોડબંદર રોડ પર મંગળવારે બાઇક પર જઈ રહેલા એક યુવાનનું ખાડાને લીધે મૃત્યુ થયા બાદ ગઈ કાલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બોરીવલી તરફ જતી વખતે વિલે પાર્લેમાં ઍરપોર્ટનો જે ફ્લાયઓવર આવે છે એના પહેલાં રસ્તાની વચ્ચોવચ મોટા ખાડા પડી ગયા હોવાથી બાઇકરો માટે એ જીવલેણ બને એમ હોવાથી ‘મિડ-ડે’એ પ્રશાસનનું ધ્યાન દોરતાં કોઈ દુર્ઘટના બને એ પહેલાં જ આ ખાડાને પૂરી દેવામાં આવ્યા હતા.
આ ખાડા અંદાજે બેથી અઢી ફુટ જેટલા હોવાથી અને એમાં વરસાદનું પાણી ભરાયું હોવાથી વાહનચાલકોને એનો અંદાજ રહેતો નહોતો.આ ઉપરાંત આવા રસ્તા પર વાહન અને ખાસ કરીને બાઇક પાસ થતાં બાઇકરોનું બૅલૅન્સ જતું હતું અને અકસ્માતની ભારોભાર શક્યતા હતી.આ જ કારણસર‘મિડ-ડે’એ તાત્કાલિક એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસને વિડિયો મોકલ્યો હતો.તેમણે પણ એની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.મંગળવારે રાતે પડેલા મુશળધાર વરસાદને કારણે આ ખાડા પડ્યા હોવાનું જણાવીને તેમણે તરત જ સંબંધિત એન્જિનિયરને ટીમ સાથે ખાડા પૂરવા મોકલી હતી.આ ટીમે તાત્કાલિક આ ખાડાને પૂરવાનું કામ હાથ ધર્યું હતું.એથી આ અત્યંત મહત્ત્વના રસ્તા પર ખાડા જીવલેણ બને એ પહેલાં જ જરૂરી પગલાં લેવામાં આવ્યાં હતાં.


