પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માન આજે તેમના ચંડીગઢસ્થિત ઘરે લગ્ન કરશે.૪૮ વર્ષના ભગવંત સિંહ માન ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે,એમ જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે માત્ર પરિવારના લોકો તેમ જ અંગત સ્નેહીજનો આ લગ્નમાં ઉપસ્થિત રહેશે.આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આ લગ્નમાં હાજર રહે એવી સંભાવના છે,એમ આપ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા મલવિંદર સિંહે જણાવ્યું હતું. ભૂતપૂર્વ સ્ટૅન્ડઅપ કૉમેડિયન ભગવંત સિંહ માનના છ વર્ષ પહેલાં છુટાછેડા થયા હતા.આ લગ્નથી તેમને બે બાળક છે,જેઓ તેમની મમ્મી સાથે અમેરિકામાં રહે છે.ભગવંત સિંહ માનના શપથ સમારોહમાં ૧૬ માર્ચે તેમનાં બાળકો હાજર રહ્યાં હતાં.ચાલુ વર્ષની શરૂઆતમાં પંજાબની ચૂંટણીમાં આપ પાર્ટીએ કૉન્ગ્રેસને હરાવીને જીત્યા બાદ ભગવંત સિંહ માને મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

