લંડન : તા.07 જુલાઈ 2022,ગુરૂવાર : બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર સામે સંકટના વાદળ છવાયા છે.છેલ્લા 48 કલાકમાં કેબિનેટના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે.આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું છે.છેલ્લા મહીને જે બે મંત્રીઓ ઋષિ સુનક અને સાજિદ જાવિદે સરકાર બચાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ પણ હવે જોનસનનો સાથ છોડી ચૂક્યા છે.એક મહિનામાં આ બીજી વખત બોરિસ સરકાર જોખમમાં છે.
આરોગ્ય મંત્રી સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી હતી.નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન,રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર,હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન,શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.બ્રિટનના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી કેટલાક સવાલો પણ ઉભા થાય છે.ત્યા આગળ શું થશે? શું બોરિસને ખુરશી છોડવા માટે મજબૂર કરી શકાશે? અને જો જોનસન રાજીનામું આપે તો નવા વડા પ્રધાનની પસંદગી કેવી રીતે થશે?
પાર્ટીગત મામલે છેલ્લા મહીને જ બોરિસ જોનસને વિશ્વાસ મત જીત્યો હતો.કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો પ્રમાણે 12 મહીના સુધી તેમની સામે બીજો અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવી શકાય.આ વચ્ચે હવે જોનસનની જ પાર્ટીના કેટલાક સાંસદો ઈચ્છે છે કે,12 મહીનાના આ ઈમ્યુનિટિ પિરિયડને ઘટાડવામાં આવે અથવા સમાપ્ત કરવામાં આવે.કેટલાક સાંસદો એવા છે જે કેબિનેટના બાકીના મંત્રીઓને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ મંત્રીઓની જેમ રાજીનામું આપી દે.આનો સીધો ઈરાદો બોરિસને રાજીનામું આપવા માટે મજબૂર કરવાનો છે.આવી સ્થિતિમાં જો બોરિસ જોનસન બહુમત ગુમાવે છે તો તેઓ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી એલાન પણ કરી શકે છે.